અધ્યાય-૧૦૬-ગાલવ ચરિત્ર-વિશ્વામિત્રની પરીક્ષા
II जनमेजय उवाच II अनर्थे जातनिर्बन्धं परार्थे लोभमोहितं I अनार्यकेष्व भिरतं मरणे कृतनिश्चयम् II १ II
જન્મેજયે પૂછ્યું-અનર્થમાં હઠે ભરાયેલો,પરદ્રવ્યમાં લોભને લીધે મોહિત થયેલો,અનાર્યોમાં પ્રીતિવાળો,મરણને માટે નિશ્ચય કરી બેઠેલો,જ્ઞાતિજનોને દુઃખ કરનારો,બંધુઓના શોકને વૃદ્ધિ પમાડનારો,સ્નેહીઓને ક્લેશ આપનારો અને શત્રુઓના હર્ષમાં વધારો કરનારો દુર્યોધન,આડે માર્ગે જતો હતો,છતાં બાંધવોએ તેને વાર્યો કેમ નહિ? કોઈ પ્રેમાળ સ્નેહીએ કે પિતામહ ભગવાન વ્યાસે પણ સ્નેહને લીધે તેને કેમ વાર્યો નહિ?
વૈશંપાયન બોલ્યા-તેને વ્યાસે કહ્યું,ભીષ્મે પણ જેટલું કહેવાય તેટલું કહ્યું અને પછી,નારદે પણ જે વચન કહ્યું તે સાંભળો.(4)