અધ્યાય-૨૬-યુધિષ્ઠિરનું ભાષણ
II युधिष्ठिर उवाच II कां नु वाचं संजय मे शृणोषि युध्धैषिणी येन युद्धाद्विमेषि I
युद्धं वै तात युद्वाद्वरियः कस्तल्लब्धवा जातु युद्वयेत सुत II १ II
યુધિષ્ઠિર બોલ્યા-હે સંજય,તું યુદ્ધની ઈચ્છાવાળી મારી કયી વાણી સાંભળે છે કે જેથી તું યુદ્ધથી ભય પામે છે?ખરેખર તો યુદ્ધ કરવા કરતાં યુદ્ધ ન કરવું એ શ્રેષ્ઠ છે.યુદ્ધ વિના અર્થસિદ્ધિ થતી હોય તો કયો પુરુષ યુદ્ધ કરવા તૈયાર થાય?પાંડવો સુખની ઈચ્છાવાળા છે અને ધર્મયુક્ત ને લોકહિતકારી કર્મ કરે છે.અમે ઇન્દ્રિયોનાં સુખ પાછળ લાગેલા નથી.કેમકે ઇન્દ્રિયોના વિષયોની જેમ જેમ પ્રાપ્તિ થતી જાય તેમતેમ વૃદ્ધિ જ પામ્યા કરે છે.
અમારી સાથે તું અનેક પુત્રવાળા ધૃતરાષ્ટ્ર તરફ દ્રષ્ટિ કર.મોટો વૈભવ હોવા છતાં તે સર્વ વૈભવ પોતાને જ મળે એવી ઈચ્છાથી અમને રાજ્યવૈભવથી દૂર કર્યા તો પણ તે ભોગથી તેમને હજુ તૃપ્તિ થતી નથી.