અધ્યાય-૧૨૪-શ્રીકૃષ્ણનો દુર્યોધનને ઉપદેશ
II धृतराष्ट्र उवाच II भग्वन्नेवमेवैतद्यथा वदसि नारद I इच्छामि चाहमप्येवं नत्विसो भगवन्नहम् II १ II
ધૃતરાષ્ટ્રે કહ્યું-'હે ભગવન નારદ,તમે જે કહો છો તેમ જ છે,અને હું પણ એ પ્રમાણે થાય તેમ ઈચ્છું છું,પરંતુ હે ભગવન,મારી સત્તા ચાલતી નથી' આ પ્રમાણે નારદને કહીને પછી ધૃતરાષ્ટ્ર,શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા કે-'હે કેશવ,તમે મને જે બોધ કર્યો,તે ધર્મ તથા ન્યાયને અનુસરનારો અને આ લોકમાં સુખ આપનારો છે.દુર્યોધને જે કાર્ય કરવા માંડ્યું છે તે મને પ્રિય નથી પરંતુ હું શું કરું?હું સ્વાધીન સત્તાવાળો નથી માટે તમે મારા આ મૂર્ખ તથા શાસ્ત્રનું ઉલ્લંઘન કરનારા દુર્યોધનને જ સમજાવવા પ્રયત્ન કરો.
તે ગાંધારી,વિદુર ભીષ્મનાં વચનને પણ સાંભળતો નથી,માટે તમે પોતે જ દુર્યોધનને ઉપદેશ આપો.હે જનાર્દન,આ કામ કરવાથી તમે એક મોટું સુહૃતકાર્ય કરેલું ગણાશે.' ત્યારે શ્રીકૃષ્ણ દુર્યોધન તરફ વળીને મધુર વાણીથી બોલ્યા કે-