અધ્યાય-૬૧-દુર્યોધનની આત્મશ્લાઘા
II वैशंपायन उवाच II पितुरेतद्वचः श्रुत्वा धार्तराष्ट्रोत्यमर्षणः I आधाय विपुलं क्रोधं पुनरेवेदमब्रवीत् II १ II
વૈશંપાયને કહ્યું-પિતાનાં એ વચન સાંભળીને,મૂળથી જ મહાક્રોધી દુર્યોધન,અતિશય ક્રોધ ધારણ કરીને ફરીથી કહેવા લાગ્યો કે-
'હે મહારાજ,દેવોની સહાયતાવાળા પાંડવો જિતાવા અશક્ય છે એવો તમારો ભય દૂર થાઓ.પૂર્વે વ્યાસ,પરશુરામ ને નારદે મને જે વાત કહી હતી તે તમે સાંભળો.કામ,દ્વેષ,લોભ તથા દ્રોહના અભાવથી અને પદાર્થો તરફ ઉપેક્ષા કરવાથી જ દેવો દેવપણાને પામે છે,ને તે દેવો મનુષ્યની જેમ કામ,ક્રોધ લોભ ને દ્વેષથી કોઈ પણ કામ કરતા નથી.તમે કહે છો તેમ જો અગ્નિ,વાયુ,ધર્મ,ઇન્દ્ર ને અશ્વિનીકુમારો,ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરતા હોત તો પાંડવો કદી દુઃખ પામે જ નહિ.માટે તમારે દેવો તરફની એવી કોઈ ચિંતા કરવી નહિ.વળી,દેવો શમ,દમ વગેરે દૈવી ભાવોની નિત્ય ઈચ્છા રાખનારા હોય છે,છતાં,જો તે દેવોમાં કામનાના સંબંધથી દ્વેષ ને લોભ જોવામાં આવે તો વેદના પ્રમાણ પરથી હું તમને કહું છું કે-તે કામાદિના સંબંધવાળાઓનું કરેલું સફળ થશે નહિ (8)