અધ્યાય-૫૯-શ્રીકૃષ્ણનો સંદેશો
II धृतराष्ट्र उवाच II यद्व्रुतां महात्मानौ वासुदेवधनंजयौ I तन्मे ब्रुहि महाप्राज्ञ शुश्रूषे वचनं तव II १ II
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે મહાપ્રાજ્ઞ,મહાત્મા કૃષ્ણ તથા અર્જુને જે કહ્યું હોય તે મને સાંભળવાની ઈચ્છા છે.
સંજય બોલ્યો-હે રાજન,હું જયારે તે બે નરદેવોને તમારો સંદેશો કહેવા વિનયયુક્ત થઈને બે હાથ જોડીને તેમના અંતઃપુરમાં દાખલ થયો ત્યારે તે અંતઃપુરમાં શ્રીકૃષ્ણ,અર્જુન,દ્રૌપદી અને સત્યભામા બેઠેલાં હતાં.એ સ્થાનમાં અભિમન્યુ,નકુળ કે સહદેવ પણ પ્રવેશ કરતા નહિ.શ્રીકૃષ્ણ અને અર્જુને ચંદનનો અંગરાગ,પુષ્પની માળો અને ઉત્તમ વસ્ત્રો તથા દિવ્ય અલંકારો ધારણ કરેલા હતા.સુવર્ણના મોટા આસન પર તેઓ બેઠેલા હતા.મને જોઈને અર્જુને સુવર્ણનો બાજઠ મારા તરફ ખસેડ્યો,પરંતુ મેં તેનો બે હાથથી સ્પર્શ કરીને પૃથ્વી પર જ બેઠો.મને અર્જુનના સુંદર પગોના તળિયાની ઉર્ધ્વરેખા અને બીજા સુંદર લક્ષણો દેખાણા હતા.તે બંને ઇન્દ્ર તથા વિષ્ણુના સમાન છે,પણ મંદ બુદ્ધિવાળો દુર્યોધન દ્રોણ અને ભીષ્મના આશ્રયથી અને કર્ણના બકવાદથી તેઓના સ્વરૂપને ઓળખાતો નથી.આ બંને જેની આજ્ઞામાં રહેલા છે તે ધર્મરાજાનો માનસિક સંકલ્પ સિદ્ધ થશે,એવો મને તે વખતે નિશ્ચય થયો હતો.(12)