અધ્યાય-૫૫-દુર્યોધનનું ભાષણ
II दुर्योधन उवाच II न भेतव्यं महाराज न शोच्या भवता भयम् I समर्थाः स्म परान्जेतु बलिनः समरे विभो II १ II
દુર્યોધન બોલ્યો-હે મહારાજ,તમારે ડરવું નહિ તથા અમારે માટે શોક કરવો નહિ કારણકે હે વિભો,અમે યુદ્ધમાં બળવાન શત્રુઓને જીતવા સમર્થ છીએ.જે વખતે વનમાં કાઢી મુકેલા પાંડવોને મળવા માટે,ઈંદ્રપ્રસ્થથી થોડે છેટે,પ્રચંડ સેનાઓ લઈને શ્રીકૃષ્ણ,કેકયો,ધૃષ્ટકેતુ,ધૃષ્ટદ્યુમ્ન આદિ અનેક લોકો પાંડવોની પાસે આવ્યા હતા ને સર્વ એકઠા થઈને તમારી નિંદા અને યુધિષ્ઠિરનું સન્માન કરવા લાગ્યા હતા.પછી,તેઓ ઠરાવ પર આવ્યા હતા કે 'પરિવાર સાથે આપણો વિનાશ કરીને રાજ્ય પાછું લેવું.' એ સાંભળીને મેં ભીષ્મ,દ્રોણ અને કૃપને કહ્યું હતું કે-'પાંડવો પોતાના કરાર પ્રમાણે ચાલશે,પરંતુ શ્રીકૃષ્ણ આપણા સર્વનો વિનાશ કરવા ઈચ્છે છે.એક વિદુર ને ધૃતરાષ્ટ્ર સિવાય,આપણા સર્વનો સંપૂર્ણ વિનાશ કરીને શ્રીકૃષ્ણ સર્વ રાજ્ય યુધિષ્ઠિરને આપવા ઈચ્છે છે.માટે આવા પ્રસંગમાં શું સંધિને માટે તેમને નમન કરવું,નાસી જવું કે પ્રાણોની દરકાર રાખ્યા વિના તેમની સામે યુદ્ધ કરવું? નમી પડવામાં મને મારા પિતાનો શોક થાય છે કેમ કે તેમને મારે લીધે જ નમાવવા મને કષ્ટદાયક લાગે છે.'(16)