અધ્યાય-૩૯-વિદુરનીતિ (ચાલુ)
II धृतराष्ट्र उवाच II अनिश्वरोयं पुरुषो भवाभवे सुत्रप्रोता दारुभयिव योषा I धात्रा तु दिष्टस्य वशे कृतोऽयं तस्माद्वद त्वं श्रवणे ध्रुतोहम् II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-સૂતર પરોવેલી લાકડાની પૂતળીની જેમ,આ પુરુષને વિધાતાએ દૈવને આધીન કરેલો છે,તેથી તે ઐશ્વર્ય તથા અનૈશ્વર્યના સંબંધમાં સ્વતંત્ર નથી,માટે તું મને દોષ ન દેતાં બોધવચન કહે,હું તે ધૈર્યથી સાંભળવા તૈયાર છું
વિદુર બોલ્યા-હે ભારત,સમયને અયોગ્ય વચન સાક્ષાત બૃહસ્પતિ બોલે તો પણ તેનું અપમાન થાય છે અને તેની બુદ્ધિની અવજ્ઞા થાય છે.કોઈ દાનથી પ્રિય થાય છે,કોઈ પ્રિય બોલવાથી પ્રિય થાય છે,કોઈ મંત્ર તથા મૂળના બળથી પ્રિય થાય છે પણ નિષ્કારણ જ પ્રિય લાગે તે જ ખરો પ્રિય છે.જે પોતાને જ અપ્રિય હોય તે સજ્જન હોય,બુદ્ધિશાળી હોય તથા પંડિત હોય તો પણ સારો લાગતો નથી.જે પ્રિય હોય તેના સર્વ કાર્યો સારાં લાગે છે ને અપ્રિયનાં કાર્યો પાપભરેલાં લાગે છે (4)