Dec 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-684

 

બુદ્ધિ,કુલીનતા,શાસ્ત્રજ્ઞાન,ઇન્દ્રિય નિગ્રહ,પરાક્રમ,અલ્પ ભાષણ,યથાશક્તિ દાન અને કૃતજ્ઞતા આ આઠ ગુણો પુરુષોને દીપાવે છે.વળી રાજા જે મનુષ્યનો સત્કાર કરે છે તે મનુષ્યમાં બીજા ગુણો ન હોય તો પણ આ રાજસન્માનરૂપી ગુણ જે મનુષ્યમાં હોય તે ગુણી છે એમ મનાય છે,ને આ ગુણ તેને દીપાવે છે.(32)

Dec 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-683

અધ્યાય-૩૭-વિદુરનીતિ (ચાલુ)


II विदुर उवाच II सप्तदशेमान राजेन्द्र मनुः स्वायंभुवोब्रवीत I वैचित्रविर्य पुरुषानाकाशं मुष्टिभिर्न्घत :II १ II

વિદુર બોલ્યા-હે વિચિત્રવીર્યના પુત્ર,હે રાજેન્દ્ર,હવે પછી કહેલા સત્તર પુરુષોને સ્વાયંભુવ મનુએ,

મુષ્ટિથી આકાશને પ્રહાર  કરનારા (અર્થાંત અતિમૂર્ખ) કહ્યા છે.

જે ઉપદેશ કરવા યોગ્ય ના હોય તેને ઉપદેશ કરનારો,અલ્પ લાભથી સંતોષ માનીને બેસી રહેનારો,પોતાના કાર્ય માટે વારંવાર શત્રુની સેવા કરનારો,સ્ત્રીઓને સાચવ્યા કરવાથી પોતાનું કલ્યાણ માનનારો,યાચના ન કરવા જેવાની યાચના કરનારો,બડાઈ માનનારો,સારા કુળમાં જન્મી અયોગ્ય કામ કરનારો,પોતે નિર્બળ છતાં બળવાનની સામે નિત્ય વેર રાખનારો,અશ્રધ્ધાળુને હિતની વાત કહેનારો,ન ઇચ્છવા જેવી વસ્તુની ઈચ્છા રાખનારો,સસરો હોઈને વહુની મશ્કરી કરનારો,વહુના પિતા વગેરેથી આપત્તિમાં રક્ષણ મેળવીને તેઓથી જ માનની ઈચ્છા રાખનારો,પરસ્ત્રીમાં બીજ વાવનારો,સ્ત્રીની સાથે વારંવાર લડાઈ કરનારો,વસ્તુ લીધા પછી 'મને યાદ નથી'તેમ કહેનારો,વાણીથી આપવાનું કહ્યા પછી યાચક યાચના કરે એટલે દાન આપ્યા વિના જ બડાઈ મારનારો,અને ખોટાને ખરું ઠરાવનારો-આ સત્તરને યમદૂતો નરકમાં લઇ જાય છે.(6)

Dec 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-682

જેમ,હંસો સુકાયેલા સરોવરને છોડી દૂર જાય છે તેમ,ચંચળ ચિત્તવાળા,અવિવેકી,ઇન્દ્રિયોના દાસ થયેલા પુરુષને લક્ષ્મી છોડીને દૂર જાય છે.જેમ,વાદળાં કે ક્ષણમાં એકઠાં થાય છે અને ક્ષણમાં નષ્ટ થઇ જાય છે તેમ,દુર્જનોનો એવો સ્વભાવ છે કે તેઓ કારણ વિના જ એકાએક ક્રોધ કરે છે ને કારણ વિના જ પ્રસન્ન થાય છે.મિત્રોએ પોતાનો સત્કાર કરીને કે પોતાનું કામ કરી આપ્યું હોય છતાં જેઓ મિત્રોનું હિત કરતા નથી તેવા કૃતઘ્નીઓ જયારે મરી જાય છે ત્યારે તેમના શબને માંસભક્ષક પ્રાણીઓ પણ 

(પોતે તેવા થઇ જાય એ ડરથી)ખાતા નથી.પોતાની પાસે ધન હોય અથવા ન હોય તો પણ મિત્રોની પાસે માંગણી કરવી જ જોઈએ કારણ કે માગ્યા વિના મિત્રોના સારની તથા અસારતાની પરીક્ષા થતી નથી (43)

Dec 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-681

 

જે સર્વનું કલ્યાણ ઈચ્છે છે,કોઈના અક્લ્યાણની ઈચ્છા કરતો નથી,સત્ય બોલે છે,કોમળ ભાવ રાખે છે,ને ઇન્દ્રિયોને વશમાં રાખે છે તે ઉત્તમ પુરુષ છે.જે મિથ્યા સાંત્વન કરતો નથી,આપવા કહેલી વસ્તુ આપે છે અને બીજાનાં છિદ્રોને જાણે છે તે મધ્યમ પુરુષ છે.દુઃખ વડે ઉપદેશ કરાય તેવો,માર ખાનાર,શસ્ત્રોથી ઘવાતાં છતાં ક્રોધને લીધે પાછો ન ફરનાર,કૃતઘ્ની,કોઈનો પણ મિત્ર નહિ,ને દુષ્ટ અંતઃકરણવાળો પુરુષ અધમ વૃત્તિવાળો કહેવાય છે.(18)

Dec 4, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-680

 

અધ્યાય-૩૬-વિદુરનીતિ (ચાલુ)


II विदुर उवाच II अत्रैवोदाहरंतिममितिहासं पुरातनम् I आत्रेयस्य च संवादं साध्यानां चेति नः श्रुतम् II १ II

વિદુર બોલ્યા-આ સંબંધમાં આત્રેય અને સાધ્યોના સંવાદનો એક પુરાતન ઇતિહાસ ઉદાહરણરૂપે કહેવામાં આવે છે,એવું મારા સાંભળવામાં છે.પૂર્વે હંસ (પરિવ્રાજક)રૂપથી ફરતા,મહાબુદ્ધિમાન એવા મહર્ષિ આત્રેયની પાસે જઈને સાધ્યદેવોએ,તેમને પ્રશ્ન કર્યો કે-'હે મહર્ષિ,અમે સાધ્યદેવો છીએ,અમે તમારા વિષે અનુમાન કરી શકતા નથી,તો પણ,તમે શાસ્ત્રજ્ઞાન વડે ધીર અને બુદ્ધિમાન છો,એમ અમે માનીએ છીએ.માટે તમે વિદ્વાનનાં લક્ષણને કહેનારી ઉદાર વાણી અમને કહેવા માટે યોગ્ય છો'

Dec 3, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-679

 

યજન,અધ્યયન,દાન,તપ,સત્ય,ક્ષમા,દયા અને ઉદારતા આ આઠ પ્રકારનો ધર્મનો માર્ગ કહેલો છે.

આમાં પ્રથમ ચારનો વર્ગ દંભને માટે પણ સેવન કરાય છે અને પાછળના ચારનો વર્ગ મહાત્મા સિવાય બીજામાં હોતો નથી.જેમાં વૃદ્ધો નથી તે સભા નથી,જેઓ ધર્મ કહેતા નથી તે વૃદ્ધો નથી,જેમાં સત્ય નથી તે ધર્મ નથી અને જે છળભરેલું છે તે સત્ય નથી.સત્ય,સૌમ્ય રૂપ,શાસ્ત્રભ્યાસ,દેવોપાસન,કુલીનતા,શીલ,બળ,શાન,શૌર્ય અને યુક્તિવાળું વચન આ દશ સ્વર્ગના હેતુ છે.પાપકીર્તિવાળો મનુષ્ય પાપ કરીને પાપનું જ ફળ ભોગવે છે અને પુણ્યકીર્તિવાળો મનુષ્ય પુણ્ય કરીને પુણ્યનું જ ફળ ભોગવે છે.માટે સદાચારી મનુષ્યે પાપ કરવું નહિ.

ને પુણ્યનું જ સેવન કરવું.વારંવાર કરાતું પાપ બુદ્ધિનો નાશ કરે છે.