જેમ,સ્ત્રી,નપુંસક પતિને ચાહતી નથી,તેમ,જે રાજાની કૃપા ને ક્રોધ નિષ્ફળ છે તે રાજાને પ્રજા ચાહતી નથી.
કેટલાંક કામો એવાં હોય છે કે તેના આરંભમાં થોડી મહેનત કરી હોય તો પણ મહાફળ આપે છે,તેવાં કામોનો ડાહ્યો મનુષ્ય ઝટ આરંભ કરે છે,ને તેમાં અંતરાય નાખતો નથી.જે રાજા પ્રેમપૂર્ણ સરળ દ્રષ્ટિથી સર્વ પ્રજા તરફ જુએ છે તે શાંત બેસી રહે તો પણ પ્રજા તેના તરફ પ્રીતિ રાખે છે.જે રાજા નેત્ર,મન,વાણી અને કર્મથી લોકોને પ્રસન્ન રાખે છે,તેના પર લોકો પ્રસન્ન રહે છે.જેમ પારધીથી મૃગ ત્રાસ પામે,તેમ,જે રાજાથી પ્રજા ત્રાસ પામે તે રાજાનું રાજ નાશ પામે છે.જે રાજા બાપદાદાના રાજ્યને પ્રાપ્ત થયો હોય ને અન્યાયથી વર્તતો હોય તે પોતાના કર્મોથી જ રાજ્યનો નાશ કરે છે.ધર્મ પ્રમાણે ચાલનારા રાજાના રાજ્યકાળમાં પૃથ્વી ધનથી ભરપૂર થઈને વૃદ્ધિ પામે છે.(33)