અધ્યાય-૨૧-ભીષ્મ અને કર્ણનાં વાક્યો
II वैशंपायन उवाच II तस्य तद्वचनं श्रुत्वा प्रज्ञावृद्धो महाध्युतिः I संपूज्यैनं यथाकालं भीष्मो वचनब्रवित् II १ II
વૈશંપાયને કહ્યું-પુરોહિતનાં તે વચન સાંભળીને જ્ઞાનવૃદ્ધ તથા મહાતેજસ્વી ભીષ્મ તેનું સન્માન કરીને સમયોચિત વચન બોલ્યા-'હે બ્રહ્મન,સઘળા પાંડવો કુશળ છે,શ્રીકૃષ્ણ તેમની સહાય કરે છે ને તેઓ ધર્મમાં તત્પર રહે છે એ બહુ સારું છે.તેઓ કૌરવો સાથે સંધિની ઈચ્છા રાખે છે પણ યુદ્ધની ઈચ્છા રાખતા નથી તે પણ બહુ સારું છે.
તમે સર્વ સત્ય કહ્યું એમાં સંશય નથી.પાંડવોને અહીં અને વનમાં બહુ દુઃખ મળ્યું છે,ને તેઓને ધર્મથી જ ધન પ્રાપ્ત થયું છે તે પણ નિઃસંદેહ છે.અર્જુન બળવાન છે ને યુદ્ધમાં તેને કોણ સહન કરી શકે તેવો છે? સાક્ષાત ઇન્દ્ર પણ તેની સામે યુદ્ધ કરવા સમર્થ નથી તો અન્ય ધનુર્ધારીઓની તો વાત જ શી? એમ મારુ માનવું છે'