અધ્યાય-૧૫-નહુષને પાડવાની યુક્તિ
II शल्य उवाच II एवमुक्तः स भगवान शच्या तां पुनरब्रवीत I विक्रमस्य न कालोऽयं नहुषो बलवत्तरः II १ II
શલ્યે કહ્યું-'એ પ્રમાણે ઈન્દ્રાણીએ કહ્યું ત્યારે ભગવાન ઇન્દ્રે તેને ફરીથી કહ્યું કે-'આ પરાક્રમ કરવાનો અત્યારે સમય નથી કેમ કે નહુષ મહાબળવાન થયો છે.ઋષિઓએ તેને હવ્યકવ્ય આપીને બહુ બળવાન બનાવી દીધો છે.પણ હું એક યુક્તિની યોજના કરું છું તે પ્રમાણે તારે કરવું અને આ વાત ગુપ્ત રાખીને તારે કોઈનેય કહેવી નહિ.તારે એકાંતમાં નહુષની પાસે જઈને કહેવું કે-હે નહુષ,તમે દિવ્ય પાલખીમાં બેસી તે ઋષિઓની પાસે ઉપડાવીને મારી પાસે આવો તો હું પ્રસન્ન થઈને તમારે વશ થઈને રહીશ-આવું તું તેને જઈને કહે'