અધ્યાય-૬૯-વિરાટ અને ઉત્તરનો સંવાદ
II उत्तर उवाच II न मया निर्जिता गावो न मया निर्जिताः परे I कृतं तत्सकलं तेन देवपुत्रेण केनचित् II १ II
ઉત્તર બોલ્યો-ગાયોને મેં જીતી નથી અને શત્રુઓને મેં હરાવ્યા નથી,એ બધું તો કોઈ દેવપુત્રે કર્યું છે.હું તો તે વખતે કુરુઓની સેનાએ જોઈને ડરી ગયો હતો અને નાસવા માંડતો હતો ત્યારે તે દેવપુત્રે આવી મને વાર્યો અને તે યુવાન જ રથીના સ્થાન પર આવીને બેઠો ને તેણે જ કુરુઓને પરાજિત કરીને ગાયોને પછી મેળવી છે.કૃપ,દ્રોણ,ભીષ્મ,કર્ણ,અશ્વસ્થામા અને દુર્યોધન એ છ મહારથીઓને તેણે જ બાણોના પ્રહારથી વિમુખ કર્યા હતા.દુર્યોધન ભયભીત થઈને નાસી જતો હતો ત્યારે તે મહાબળવાને તેને કહ્યું હતું કે-હે કૌરવપુત્ર,હસ્તિનાપુરમાં પણ તારું કંઈ રક્ષણ થાય એમ મને લાગતું નથી,તો દેશાંતરમાં રખડી તારા જીવનું જતન કર.આમ નાસી છૂટ્યે તું છુટકારો પામવાનો નથી,માટે તું યુદ્ધમાં મન લગાડ.'