અધ્યાય-૫૮-દ્રોણાચાર્ય અને અર્જુન વચ્ચે સંગ્રામ
II वैशंपायन उवाच II क्रुपेपनिते द्रोणस्तु प्रगृह्य सशरं धनुः I अभ्यद्रवदनाधृष्पः शोणाश्वः श्वेतवाहनम् II १ II
વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે કૃપાચાર્ય રણભૂમિમાંથી પાછા હટ્યા,એટલે લાલ અશ્વના રથવાળા અને અપરાજિત એવા દ્રોણાચાર્ય ધનુષ્યબાણ લઈને શ્વેતવાહન અર્જુનની સામે ધસી આવ્યા.સુવર્ણરથમાં બેસેલા ગુરુને પોતાની સમીપ આવી રહેલા જોઈને અર્જુને ઉત્તરને કહ્યું કે-'સામે આવી રહેલા મારા ગુરુ દ્રોણાચાર્ય સામે તું રથ લે,આ સંગ્રામમાં હું તેમની સામે યુદ્ધ કરવા ઈચ્છું છું' અર્જુનના કહેવાથી ઉત્તરે રથને વેગપૂર્વક રથને દ્રોણાચાર્ય તરફ હાંક્યો.ત્યારે શંખના ઘોષો થયા અને સેંકડો ભેરીઓના નાદ ઉઠ્યા.એટલે ત્યાં આખું સૈન્ય ઉછળી રહેલા સાગરની જેમ ખળભળી ઉઠ્યું.લોકો વિસ્મયમાં પડ્યા.