અધ્યાય-૫૫-અર્જુનનો સપાટો
II वैशंपायन उवाच II अपयाते तु राधेये दुर्योधनपुरोगमाः I अनीकेन यथा स्वेन शनैरार्च्छत् पाण्डवं II १ II
વૈશંપાયન બોલ્યા-તે રાધેય કર્ણ પલાયન થયો ત્યારે દુર્યોધન આદિ કૌરવો પોતપોતાની સેનાની સાથે ધીરે ધીરે અર્જુનની સામે આવવા લાગ્યા.વ્યુહબદ્ધ થઈને તેઓએ અર્જુન પર બાણોની વૃષ્ટિ કરવા માંડી.ત્યારે અર્જુને તેમના વેગને રોકીને,દિવ્ય અસ્ત્રોનો પ્રયોગ કરતો તે સામે ધસ્યો.ને ગાંડીવથી અસંખ્ય બાણો છોડીને તેણે દશે દિશાઓને ઢાંકી દીધી.તે વખતે રથો,અશ્વો,હાથીઓ અને કવચોની બે આંગળ જેટલી જગ્યા પણ અર્જુનનાં તીક્ષણ બાણોથી વીંધાયા વગરની રહી નહોતી.અર્જુનનું આ શીઘ્ર અને શ્રેષ્ઠ પરાક્રમ જોઈને શત્રુઓ પણ તેની સ્તુતિ કરવા લાગ્યા.