અધ્યાય-૨૬-કર્ણ અને દુઃશાસનના વાક્યો
II वैशंपायन उवाच II ततो दुर्योधनो राज ज्ञात्वा तेषां वचस्तदा I चिरमंतर्मना भूत्वा प्रत्युवाच सभासदः II १ II
ત્યારે દૂતોનાં આ વચન સાંભળીને દુર્યોધનરાજ ઘણા સમય સુધી મનમાં વિચાર કરીને સભાસદોને કહેવા લાગ્યો કે-
'તમે સર્વ સારી રીતે વિચાર કરો કે તે પાંડવો ક્યાં ગયા હશે? અજ્ઞાતવાસનો હવે થોડો જ સમય બાકી રહ્યો છે,
જો આ સમય વીતી જશે તો તે તીવ્ર વિષવાળા સર્પો જેવા પાંડવો પોતાની પ્રતિજ્ઞા પુરી થવાથી અહીં પાછા આવશે
અને અહીં આવી કૌરવો પર કોપશે ને દુઃખ આપશે.આથી તેઓને જલ્દી શોધી કાઢો,એટલે તેઓ ફરીથી વનવાસ
જાય ને આપણું રાજ્ય નિષ્કંટક થાય.તેઓ ન ઓળખી શકાય તેવા વેશ ધરીને રહ્યા હોવા જોઈએ.(7)