અધ્યાય-૧૯-દ્રૌપદીનો ભીમ સંબંધી વિલાપ
II द्रौपदी उवाच II इदं तु ते महादुखं यत्प्रवक्ष्यामि भारत I न मेम्यसुया कर्तव्या दुःखादेतद् ब्रविम्यहम् II १ II
દ્રૌપદી બોલી-હે ભારત,આ હું તમને મારી મહાદુઃખકારી વાત કહું છું,તમે મારા પર રોષ કરશો નહિ કેમ કે હું દુઃખને
લીધે જ બોલી રહી છું.તમને ન શોભે તેવું રસોઈયાનું હીન કામ કરીને તમારી જાતને બલ્લવ કહેવડાવો છો,
આથી કોનો શોક ન વધે? તમે દાસપણામાં પડયા છો ને રસોઈયા તરીકે વિરાટની સેવામાં હાજર
થાઓ છો ત્યારે મારુ કાળજું ભેદાઈ જાય છે.વિરાટરાજ તમને કુંજરો સાથે યુદ્ધ કરાવે છે
ત્યારે રાણીવાસની રમણીઓ હર્ષમાં આવી જાય છે પણ મારુ કાળજું ફફડી ઉઠે છે.