અધ્યાય-૬૫-દુર્યોધનનો પરાભવ
II वैशंपायन उवाच II भीष्मे तु संग्रामशिरो विहाय पलायमाने धृतराष्ट्रपुत्रः I उत्सृज्य केतुं विदन्महात्मा धनुर्विग्रुह्यार्जुनमाससाद II १ II
વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે ભીષ્મ સંગ્રામનો મોખરો છોડી ગયા ત્યારે ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધને ધનુષ્ય હાથમાં લીધું ને ગર્જના કરતો અર્જુનની સામે ચડી આવ્યો.તેણે ધનુષ્યને કાન સુધી ખેંચીને એક ભલ્લ બાણ મૂક્યું અને અર્જુનના લલાટના મધ્યભાગને વીંધ્યું.તેથી અર્જુનનું લલાટ ચિરાઈ ગયું.અર્જુને પણ સામે દુર્યોધનને વીંધ્યો.બંને વચ્ચે યુદ્ધ થયું.એ જ વખતે એક મહાગજ પર બેસીને વિકર્ણ પણ અર્જુન પર ચડી આવ્યો.ત્યારે અર્જુને એક મહાન અતિવેગવાળું ગજવેલનું બાણ મૂક્યું કે જેથી તે હાથી પૃથ્વી પર ઢળી પડ્યો.એટલે વિકર્ણ ત્રાસનો માર્યો હાથી પરથી ઉતરીને,દોડીને વિવીંશતિના રથમાં ચડી ગયો.