અધ્યાય-૫૩-અર્જુને ગાયોને પાછી વાળી
II वैशंपायन उवाच II तथा व्युढेष्वनिकेषु कौरवेयेषु भारत I उपायादर्जुनस्तुर्ण रथघोषेण नादयन् II १ II
વૈશંપાયન બોલ્યા-હે ભારત,આમ,કૌરવોએ વ્યુહબંધી કરી ત્યારે અર્જુન રથના ઘોષથી દિશાઓ ગજવતો ત્યાં આવી પહોંચ્યો.
ત્યારે કૌરવોએ અર્જુનની ધજા જોઈ,ને ગાંડીવના લાગલગાટ થતા ટંકારોથી તેમના કાન ભરાઈ ગયા.આ જોઈને અને અર્જુનને આવી પહોંચેલો જાણીને દ્રોણાચાર્ય બોલ્યા-'આ પૃથાનંદનના ધ્વજની ટોચ દૂરથી ઝગઝગી રહી છે,એના રથનો ઘોષ ગાજી રહ્યો છે ને એની ધજા ઉપર રહેલા વાનરની ગર્જના સંભળાઈ રહી છે.જુઓ એના ગાંડીવના બે બાણો મારા પગ આગળ આવીને પડ્યા,એ અર્જુન આમ કરીને મને પ્રણામ કરે છે.રથમાં બેઠેલો તે અગ્નિના જેવો શૉભી રહ્યો છે.(9)