અધ્યાય-૭-વિરાટરાજને ત્યાં યુધિષ્ઠિરનો પ્રવેશ
II वैशंपायन उवाच II ततो विराटं प्रथमं युधिष्ठिरो राज सभायामुपविष्टमाव्रजत I
वैदूर्यरुपान्प्रतिमुच्य कान्चनानक्षान्स कक्षे परिगृह्य वाससा II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,સૌ પ્રથમ,તે યુધિષ્ઠિર,વૈડૂર્ય જડેલા સોનાના પાસાઓને વસ્ત્રમાં લપેટીને,બગલમાં દબાવીને સભામાં બેઠેલા વિરાટરાજા પાસે ગયા,ત્યારે તે બળ અને અપૂર્વ તેજ વડે દેવ જેવા,સૂર્ય જેવા અને ભસ્મથી ઢંકાયેલા
અગ્નિ જેવા વીર્યવાન લાગતા હતા.તેમને આવતા જોઈને વિરાટરાજ વિચારવા લાગ્યો કે-
'પૂર્ણચંદ્રના જેવા તેજસ્વી મુખવાળા આ કોઈ મહાનુભાવ આવ્યા છે' તેણે પોતાની પાસે બેઠેલા મંત્રીઓને પૂછ્યું કે-રાજાના જેવા લક્ષણોવાળો આ કોણ પહેલી વાર જ મને મળવા આ સભામાં આવી રહ્યો છે? તે બ્રાહ્મણ હોય તેવું મને લાગતું નથી,તેના શરીરના ચિહ્નો પરથી લાગે છે કે તે કોઈ રાજવી છે.જેમ,કોઈ મદમસ્ત હાથી કમલસરોવર પાસે જાય તેમ,આ જરા પણ વ્યથા વિના મારી પાસે આવી રહ્યો છે'(7)