અધ્યાય-૨૯૮-સત્યવાન માતપિતાને મળ્યો
II मार्कण्डेय उवाच II एतस्मिन्नेवकाले तु ध्युमत्सेनो महाबलः I लब्धचक्षु: प्रसन्नायां दष्ट्यां सर्व ददश ह् II १ II
માર્કંડેય બોલ્યા-એ જ સમયે મહાબળવાન દ્યુમત્સેનને ફરી દૃષ્ટિ મળી તેથી આશ્ચર્ય ને પ્રસન્નતાભરી આંખે તે સઘળી વસ્તુઓને જોવા લાગ્યો.ને પત્ની સાથે તે પુત્રને જોવા આશ્રમમાં ફરી વળ્યો.પણ પુત્રને નહિ જોતાં,તે શોકથી અતિ વ્યાકુળ થયો.ત્યારે આશ્રમના સત્યવાદી તપસ્વીઓ તેને આશ્વાસન આપ્યું,એટલે તેને થોડી ધીરજ આવી.પછી થોડા સમય પછી સાવિત્રી પોતાના પતિ સત્યવાન સાથે ત્યાં આવી પહોંચી ને આનંદપૂર્વક આશ્રમમાં દાખલ થઇ.પછી,તે સર્વ બ્રાહ્મણો અગ્નિ પ્રગટાવીને દ્યુમત્સેનની પાસે બેઠા,ત્યારે શૈબ્યા,સાવિત્રી ને સત્યવાન પણ ત્યાં આવીને બેઠા.કુતુહલ પામેલા સર્વ લોકોએ રાતે મોડા પાછા આવવાનું કારણ સત્યવાનને પૂછ્યું.(29)