અધ્યાય-૨૮૯-ઇંદ્રજીતનો વધ
II मार्कण्डेय उवाच II तावुभौ पतितौ द्रष्ट्वा भ्रातरो रामलक्ष्मणौ I वबन्ध रावणिर्भुयः शरैर्दत्तवरैस्तदा II १ II
માર્કંડેય બોલ્યા-રામ અને લક્ષ્મણ એ બે ભાઈને પડેલા જોઈને,રાવણસુત ઇન્દ્રજિતે,દેવોનાં વરદાન પામેલાં બાણો વડે તેમને ચારે બાજુથી બાંધી દીધા.ત્યારે,સુગ્રીવ,સુષેણ,અંગદ,હનુમાન,નીલ આદિ સર્વ વાનરો તેમની આસપાસ આવીને તેમને વીંટીને ઉભા રહ્યા.ત્યાં વિભીષણે આવીને તે બંને વીરોને પ્રજ્ઞાસ્ત્રથી સચેત કર્યા.સુગ્રીવે પણ દિવ્ય મંત્રોથી મંત્રેલી વિશલ્યા નામની મહાઔષધિથી તેમને એક ક્ષણમાં ઘાવરહિત કરી દીધા.શુદ્ધિમાં આવતાં તે બંને એક ક્ષણમાં જ ઉભા થઇ ગયા.ત્યારે વિભીષણે હાથ જોડીને રામને કહ્યું કે-