અધ્યાય-૨૬૧-સ્વર્ગના ગુણદોષ
II देवदूत उवाच II महर्षे आर्ययुध्द्विस्तवं यः स्वर्गसुखमूत्ततं I संप्राप्तं बहु मन्तव्यं विमृशस्ययुधो यथा II १ II
દેવદૂત બોલ્યો-હે મહર્ષિ,તમારી બુદ્ધિ ઘણી શ્રેષ્ઠ છે કેમ કે તમને ઉત્તમ અને માનનીય સ્વર્ગસુખ મળ્યું છે તો પણ તમે એને વિશે અજાણ્યાની જેમ વિચારી રહ્યા છો.હે મુનિ,સ્વર્ગલોક આ લોકથી ઉપર છે અને એ 'સ્વર' નામે પણ ઓળખાય છે.એ ઉર્ધ્વગામી છે,સત્પથ (ક્રમમુક્તિનું સ્થાન) છે અને અર્ચિ વગેરે દેવયાનથી જણાતા લોકો એ સ્થાનમાં સંચાર કરે છે.જે પુરુષો તપ તપતા નથી,જે મહાયજ્ઞ કરતા નથી,જે અસત્ય બોલનારા ને નાસ્તિક છે તેઓ ત્યાં જઈ શકતા નથી.પરંતુ જેઓ ધર્માત્મા છે,વશ મનવાળા છે,શાંત છે,જિતેન્દ્રિય છે,મત્સરરહિત છે,દાનધર્મમાં પરાયણ છે ને યુદ્ધમાં શૂરાઓ છે,તેઓ શમદમરૂપી શ્રેષ્ઠ ધર્મનું આચરણ કરીને ત્યાં જાય છે.(5)