Apr 30, 2024

બુઝાતો દીપક-By અનિલ શુક્લ

 

પંગુલતા,પ્રવાસની,હવે સમજાય છે,
લથડાઈ જતા શ્વાસ પણ સમજાય છે.

જરા કહો,પવનને કે બહુ જોર ના કરે,
બુઝાતો દીપક ઝબુક ઝબુક થાય છે.

અનિલ શુક્લ
માર્ચ-2016

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-502

 

અધ્યાય-૨૨૧-બાર્હસ્પત્ય અગ્નિના વંશનું વર્ણન (ચાલુ)


II मार्कण्डेय उवाच II गुरुमिर्नियमैर्जातो भरतो पावकः I भरत्येप प्रजाः सर्वास्ततो भरत उच्यते II १ II

માર્કંડેય બોલ્યા-બ્રહસ્પતિના વંશનો ભરત નામનો અગ્નિ ભારે નિયમો ધારણ કરવાથી જન્મ્યો હતો.તે તુષ્ટ થઈને પુષ્ટિ આપે છે તેથી તેનું બીજું નામ પુષ્ટિમતિ છે.તે સર્વ પ્રજાઓનું ભરણપોષણ કરે છે તેથી તેને ભરત કહેવામાં આવે છે.

તપનો ત્રીજો પુત્ર જે શિવ નામે અગ્નિ છે તે (નિર્વિકલ્પ સમાધિમાં) ચૈતન્ય શક્તિની પૂજામાં તત્પર રહે છે.

આ ઉપરાંત વેદ પારંગત બ્રાહ્મણો કહે છે કે તેને ઉષ્મા,મનુ,શંભુ,આવસ્થ્ય,સૂર્ય આદિ પુત્રો પણ હતા.

Apr 29, 2024

ફોરમ-By અનિલ શુક્લ


આંગણે આવી,વ્હાલને વાવી,છૂપાઈ ક્યાં ગયા છો તમે?
ભીનાં ભીનાં ચરણ ની છાપ છોડીને સંતાયા ક્યાં તમે?

ખટખટાવીને કમાડ,ચાલી ગયો,લાગે છે,એ તોફાની પવન,
ગમે સંગ તેનો તમને તો,સંગ તેની શું ચાલ્યા ગયા તમે?

સુકાઈ રહ્યાં,ધીરે ધીરે ભીના ચરણોનો નિશાનો પવનથી,
ફૂટે છે કૂંપળો વ્હાલની કેટલી? આવીને તપાસી જજો તમે.

મુલાકાત,થવી અઘરી તમારી,રાહ જોવી એ તકદીર અમારી,
ફોરમ બની આવો અનિલ સંગ તો દિલમાં સમાઈ જશો તમે?

અનિલ શુક્લ 
March-2016

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-501

 

અધ્યાય-૨૨૦-બાર્હસ્પત્ય અગ્નિના વંશનું વર્ણન (ચાલુ)


II मार्कण्डेय उवाच II काश्यपो ह्यथं वासिष्ठः प्राणश्च प्राणपुत्रकः I अग्निरांगिरसश्चेव च्यवनस्त्रिसुवर्चकः II १ II

માર્કંડેય બોલ્યા-તે ઉકથે,પુત્રને અર્થે અનેક વર્ષો સુધી તીવ્ર તપશ્ચર્યા કરી હતી,તેણે ઇચ્છયું હતું કે 'મને બ્રહ્મા જેવો યશસ્વી અને ધર્મનિષ્ઠ પુત્ર થાય' તે કાશ્યપ (ઉકથ),વાસિષ્ઠ પુત્ર,પ્રાણનો પુત્ર,આંગિરસ ચ્યવન અને ત્રિસુવરચક-

આ પાંચ અગ્નિઓએ ભેગા મળીને મહાવ્યાહૃતિ મંત્ર દ્વારા ધ્યાન ધર્યું,ત્યારે એક પંચવર્ણ તેજ પ્રગટ થયું તે 

'પાંચજન્ય' (તપ) અગ્નિ કહેવાયો.તેણે દશ હજાર વર્ષ તપશ્ચર્યા કરી દક્ષિણાગ્નિ ઉત્પન્ન કર્યો.તેણે મસ્તકથી બૃહતને, મુખથી રથન્તરને,નાભિથી શિવને,બળથી ઇન્દ્રને,પ્રાણથી વાયુને તથા અગ્નિને,અને બંને બાહુઓથી મન,ઇન્દ્રિયો,પંચમહાભૂતો તથા બે સ્વરો (પ્રાકૃત અનુદાત્ત ને વૈકૃત અનુદાત્ત) ઉત્પન્ન કર્યા.

Apr 28, 2024

દોષ શું?-By અનિલ શુક્લ


ભલે ને મથે,આ જગત,ભેળવવા રંગોને હવામાં,પણ,
નજાકત રંગની ભળે ના હવામાં-તેમાં હવાનો દોષ શું?

ક્ષણિક થયું દિલ બંધ,અને શ્વાસો કરી બેઠા દગાબાજી,
વાંક દિલનો કે શ્વાસનો હશે-પણ તેમાં હવાને દોષ શું?

મહેંક ફૂલોની લઇ ઉડી રહ્યું પતંગિયું,પણ ફૂલ ના ઉડી શકે,
છોડી ના શકે છોડને તો ના ઉડી શકે-તેમાં હવાને દોષ શું?

વિશ્વાસ હશે જો વસંતમાં,તો લઇ આવશે ફૂલો નવાં,
ફૂલો જમીન પરનાં જો ઉડે પવનથી-તેમાં હવાને દોષ શું?

લગાડી નથી હોઠ પર બંસી,નથી ફૂંક પણ તેમાં મારી,
ના સર્જાય સુરાવલી સંગીતની-તેમાં હવાને દોષ શું?

કાગળ પર નહિ,પણ લખો છો  રેત પર નામ મારું,
ભુસાઈ ગયું પવનના ઝપાટાથી-તેમાં હવાને દોષ શું?

નથી ઉડાડયા તે શબ્દોને હવાએ,છતાં લહરાઈ ઉઠીને,
બની જાય જો કોઈ કવિતા-તેમાં અનિલનો દોષ શું ?

અનિલ શુક્લ 
માર્ચ-૨૦૧૬