યક્ષયુદ્ધ પર્વ
અધ્યાય-૧૫૮-ગંધમાદનનું વર્ણન
II वैशंपायन उवाच II निहते राक्षसे तस्मिन्पुनर्नारायणाश्रमम् I अभ्येत्य राजा कौन्तेयो निवासमकरोत्प्रभुः II १ II
વૈશંપાયન બોલ્યા-તે જટાસુર રાક્ષસને માર્યા પછી સમર્થ કુંતીનંદન ધર્મરાજે ફરી નરનારાયણના આશ્રમે આવી નિવાસ કર્યો.એકવાર તેમને અર્જુન સાંભરી આવ્યો ને તેથી તેમણે દ્રૌપદી ને સર્વ ભાઈઓને બોલાવીને કહ્યું-
'વનમાં ફરતાં ફરતાં આપણને ચાર વર્ષ થઇ ગયાં.અર્જુને આપણી સાથે સંકેત કર્યો હતો કે-તે પાંચમે વર્ષે ગિરિઓમાં શ્રેષ્ઠ એવા કૈલાસ પર્વત ઉપર આવીને આપણને મળશે.અસ્ત્રસિદ્ધિને પ્રાપ્ત કરીને દેવલોકમાંથી આ લોકમાં પાછો આવશે ત્યારે આપણે તેને ત્યાં જોઈશું.તો આપણે હવે કૈલાસ તરફ પ્રયાણ કરવું જોઈએ'