અધ્યાય-૧૪૬-ભીમ અને હનુમાનનો મેળાપ
II वैशंपायन उवाच II तत्र ते पुरुषव्याघ्राः परमं शौचमास्थिताः I पध्रात्रमयसन्विरा धनंजयदिदक्षवः II १ II
વૈશંપાયન બોલ્યા-ત્યાં તે પાંડવો,ધનંજયને જોવાની ઈચ્છાથી પરમ પવિત્ર થઈને છ રાત રહ્યા.
હવે,એકાએક ઈશાન ખૂણામાંથી વાયુ વાવા લાગ્યો અને તે સૂર્ય જેવી કાંતિવાળું એક સહસ્ત્ર પાંખડીવાળું દિવ્ય કમળ ત્યાં ખેંચી લાવ્યો.ત્યારે દ્રૌપદીએ જમીન પર પડેલા તે દિવ્ય ગંધવાળા,સુંદર ને પવિત્ર કમળને જોયું.
અત્યંત આનંદ પામીને તેણે ભીમને કહ્યું કે-'મારા મનને આનંદ આપનારું આ ઉત્તમોત્તમ કમળ જુઓ,એ હું ધર્મરાજને આપીશ.હે પાર્થ તમને જો હું વહાલી હોઉં તો આવા અનેક કમળો તમે લઇ આવજો કેમ કે હું તેમને કામ્યક વનમાં લઇ જવા ઈચ્છું છું' આમ કહી તે તરત જ તે કમળ ધર્મરાજને આપવા ગઈ.(8)