અધ્યાય-૧૧૭-પરશુરામે કરેલો ક્ષત્રિયોનો સંહાર
II राम उवाच II ममापराद्यातैः क्षुद्रैर्हतस्त्वं तात बालिशैः I कार्तवीर्यस्य दायादैर्वने मृग इवेपुभिः II १ II
રામ બોલ્યા-'હે પિતા,જેમ,વનમાં પારધીઓ મૃગને મારે છે તેમ તે કાર્તવીર્યના નીચ ને મૂર્ખ પુત્રોએ તમને મારા અપરાધને લીધે મારી નાખ્યા છે.હે પિતા,સન્માર્ગે વર્તનારા અને પ્રાણીમાત્ર તરફ નિર્દોષ વર્તન રાખનારા તમને ધર્મવેત્તાને આવું મોત ક્યાંથી યોગ્ય હોઈ શકે? તપમાં રહેલા ને સામે ન લડતા એવા વૃદ્ધને સેંકડો બાણોથી જેને હણ્યા છે તેણે શું પાપ નથી કર્યું?' આ પ્રમાણે અનેક રીતે કરુણ વિલાપ કરીને,તેમણે પોતાના પિતાને અગ્નિદાહ આપી ને પિતાનાં સર્વ પ્રેતકાર્યો કર્યાં.પછી સર્વ ક્ષત્રિયોનો વધ કરવાની પ્રતિજ્ઞા લીધી (6)