Jan 25, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-406
અધ્યાય-૧૧૨-ઋષ્યશૃંગનો પિતાને ઉત્તર
II ऋष्यशृंग उवाच II
इहागतो जटिलो ब्रह्मचारी न वै हृस्वो नातिदीर्गो मनस्वी I सुवर्णवर्णः कमलायताक्षः स्वर्तः सुराणामिव शोभमानः II १ II
ઋષ્યશૃંગ બોલ્યા-અહીં એક જટાધારી બ્રહ્મચારી આવ્યો હતો,તે મનસ્વી,ન તો નાનો કે ન તો અતિ લાંબો હતો.
તેનો વર્ણ સુવર્ણ જેવો હતો ને તેનો આંખો કમળ જેવી વિકસેલી હતી,આકાશના દેવોના જેવી તેની શોભા હતી.
તે રૂપનો ભંડાર હતો અને સૂર્યના જેવો ઝળહળતો હતો.તે અત્યંત ગૌર હતો,તેની કાળી જટા મનોરમ હતી.
તેના ગળામાં વીજળી ચમકે એવું આભૂષણ હતું ને તે ગળાની નીચે બે ગોળ દડા હતા,કે જે રોમરહિત ને
મનને હરનારા હતા.તેનો નાભિનો ભાગ મધ્ય્માં ઊંડો હતો,તેની કેડ અત્યંત પાતળી હતી.
Jan 24, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-405
અધ્યાય-૧૧૧-ઋષ્યશૃંગનો મોહ
II लोमश उवाच II सा तु नाव्याश्रमं चक्रे राज्यकार्यार्थसिध्ध्ये I शासनाचैव नृपतेः स्वबुद्ध्या चैव भारत II १ II
લોમશ બોલ્યા-હે ભારત,પછી તે સ્ત્રીએ રાજાની સહાય ને આજ્ઞાથી,પોતાની બુદ્ધિથી તે કાર્ય માટે એક
અદભુત અને અનુપમ દેખાવવાળો નૌકાશ્રમ (તરતા વહાણમાં આશ્રમ) બનાવ્યો અને તેને કાશ્યપના આશ્રમથી
થોડેક દૂર બાંધ્યો.પછી,દૂતો મારફત તેણે 'મુનિ આશ્રમમાં ક્યારે નથી હોતા?' તે વિષે તપાસ કરાવી.
Jan 23, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-404
અધ્યાય-૧૧૦-ઋષ્યશૃંગનું આખ્યાન
II वैशंपायन उवाच II ततः प्रयातः कौन्तेयः क्रमेण भरतर्षम I नंदामपरनंदां च नद्यो पापमयापहे II १ II
વૈશંપાયન બોલ્યા-'હે ભરતશ્રેષ્ઠ,પછી,કુંતીનંદન યુધિષ્ઠિર,પાપ ને ભયને દૂર કરનાર નંદા ને અપરાનંદા એ બે નદીઓ તરફ અનુક્રમે ગયા.ત્યાં ઉપદ્રવરહિત હેમકુટ પર્વત પાસે પહોંચીને,તેમને અનેક અચિંત્ય ને અદભુત પદાર્થો જોયા.ત્યાં વાયુ વડે બંધાયેલા હજારો મેઘો પથ્થર જેવા થઇ ગયા હતા.ને મનુષ્યો તેના પર ચડી શકતા નહોતા.
ત્યાં નિત્ય પવન વાતો હતો ને નિરંતર વરસાદ વરસતો હતો.ત્યાં સ્વાધ્યાયનો ઘોષ સંભળાતો હતો,પણ સ્વાધ્યાય કરનાર દેખાતો નહોતો.ત્યાં સવાર-સાંજ અગ્નિનાં દર્શન થતાં હતાં ને તપમાં વિઘ્ન કરનારી માખીઓ ડંખો દેતી હતી.ત્યાં મનુષ્યને ગ્લાનિ થતી હતી ને તેમને પોતાના ઘરબાર સાંભરતાં હતાં,યુધિષ્ઠિરે આવા અનેક અદભુત ભાવો જોયા એટલે તે આશ્ચર્યોના સંબંધમાં તેમણે લોમશ ઋષિને પૂછ્યું.(6)