અધ્યાય-૭૪-નળ ને દાસી કેશિનીનો સંવાદ
II दमयन्ती उवाच II गच्छ केशिनि जानीहि क एय रथवाहक I उपविष्टो रथोपस्ये विकृतो ह्रस्वबाहुकः II १ II
દમયંતી બોલી-'હે કેશીની,તું જા અને રથ પર જે ટૂંકા હાથવાળો ને બેડોળ સારથી બેઠો છે તેની ભાળ કાઢ.
તું તેની પાસે સ્વસ્થતાપૂર્વક જઈને તેના કુશળ સમાચાર પૂછજે.મારા મનમાં જે સંતોષ ને હૃદયમાં જે સુખ થાય છે તેથી મને શંકા પડે છે કે તે પુરુષ નળરાજા હશે.હે દાસી,વાતચીત થઇ રહ્યા પછી તું પર્ણાદને કહેલાં મારા વચનો તેને સંભળાવજે ને ત્યારે તે જે ઉત્તર આપે તે તું બરોબર ધ્યાનમાં રાખીને મને આવીને કહેજે.'