અધ્યાય-૨૦-શાલ્વ સાથે શ્રીકૃષ્ણનું યુદ્ધ
II वासुदेव उवाच II आनर्तनगरं मुक्तं ततोहमगमं तदा I महाक्रतो राजसूये निवृत्ते नृपते तव II १ II
વાસુદેવ બોલ્યા-હે નૃપતિ,તમારો રાજસૂય યજ્ઞ પૂરો થયો એટલે હું જયારે દ્વારકા -પાછો આવ્યો ત્યારે મેં દ્વારકાને નિસ્તેજ થઇ ગયેલું જોયું.એ જોઈને મને શંકા થઇ ને મેં કૃતવર્માને તેનું કારણ પૂછ્યું.ત્યારે કૃતવર્માએ શાલ્વની ચડાઈ વિશે કહ્યું.અને તેનું વૃતાન્ત સાંભળીને તે જ વખતે મેં તે શાલ્વરાજનો વિનાશ કરવાનો મનમાં નિશ્ચય કર્યો.
પછી,મેં નગરજનોને,ઉગ્રસેનને ને વસુદેવને ધીરજ આપી ને કહ્યું કે- 'તમે સર્વ નગરમાં સાવધાનીથી રહેજો,હું તે શાલ્વરાજને મારવા માટે જાઉં છું,ને તેને માર્યા વિના હું પાછો દ્વારકા આવીશ નહિ'