મયદર્શન પર્વ
અધ્યાય-૨૨૮-દેવોનો પરાભવ અને મયદાનવનું રક્ષણ
II वैशंपायन उवाच II तथा शैलनिपातेन भीतिषाः खाण्डवालयाः I दानवा राक्षसा नागास्तरक्ष्युक्षवनौकसः II १ II
વૈશંપાયન બોલ્યા-આમ,પર્વતશિખરના પડવાથી,ભય પામેલા,ખાંડવવાસી દાનવો,રાક્ષસો,નાગો,દીપડાઓ,
રીંછો,હાથીઓ,વાઘો,સિંહો,મૃગો,શરભો,પંખીઓ તેમજ બીજાં પ્રાણીઓ ઉદ્વેગ પામીને નાસવા લાગ્યાં.
વનને બળતું જોઈ અને સામે શ્રીકૃષ્ણને અસ્ત્ર ઉગામેલા જોઈને તેઓ ભયંકર ચીસો પાડવા લાગ્યા.
ત્યારે શ્રીકૃષ્ણે.પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું,કે જેનાથી પીડાઈને ક્ષુદ્ર જાતિનાં પ્રાણીઓ,દાનવો ને નિશાચરો
સેંકડોની સંખ્યામાં કપાઈ ગયાં ને તત્કાલ અગ્નિમાં પડ્યાં.કાળરૂપ ધારણ કરેલા શ્રીકૃષ્ણ જેમ જેમ ચક્ર ફેંકતા,
ત્યારે તે પિશાચો,નાગો રાક્ષસોને સંહારીને તેમના હાથમાં પાછું આવતું હતું.(1-11)