અધ્યાય-૧૬૭-દ્રૌપદી અને ધૃષ્ટદ્યુમ્નની ઉત્પત્તિ
II ब्राह्मण उवाच II अमर्पी द्रुपदो राज कर्मसिद्धान द्विजर्पमान I अन्विच्छन्परिचक्राम ब्राह्मणावसथान बहुन् II १ II
બ્રાહ્મણ બોલ્યો-પછી,ડંખીલો (વેરવાળો) તે દ્રુપદરાજ,કર્મમાં સિદ્ધ એવા શ્રેષ્ઠ દ્વિજોને શોધતો,અનેક બ્રાહ્મણોના ઘેર આથડયો.પુત્રોત્પત્તિના શોકથી મૂઢચિત્ત થયેલો તે પુત્રના જન્મની ઈચ્છા કર્યા કરતો હતો.ને નિત્ય ચિંતા કર્યા કરતો હતો કે-'હાય,મને શ્રેષ્ઠ બાળક નથી' ને ઊંડા ઊંડા નિસાસા નાખતો હતો.દ્રોણના પ્રભાવ,વિનય,શિક્ષા તથા ચરિતોને સંભારીને તે નૃપશ્રેષ્ઠ,બદલો લેવાના યત્ન કરતો હતો પણ તેને કોઈ ઉપાય લાધતો નહોતો (1-4)