Jun 12, 2022

લિંગાષ્ટકમ-Lingashtakam with gujarati meaning

ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् ।
जन्मजदुःखविनाशकलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥ १॥


જે બ્રહ્મા,વિષ્ણુ અને સર્વ દેવોના ઇષ્ટદેવ છે,જે પરમ,પવિત્ર,નિર્મલ તથા સર્વ જીવોની મનોકામનાઓ પૂર્ણ કરનાર છે,જે લિંગ-સ્વરૂપે ચરાચર જગતમાં સ્થાપિત થયા છે,જે સંસારને સંહારનાર છે અને જે જન્મ-મૃત્યુના દુઃખોનો વિનાશ કરે છે,એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहम् करुणाकर लिङ्गम् ।
रावणदर्पविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिव लिङ्गम् ॥ २॥


જે ભગવાન સદાશિવના લિંગ-રૂપનું ઋષિઓ અને દેવતાઓ દ્વારા પૂજન થાય છે,જે કામનો વિનાશ કરે છે,
જે દયા (કરુણા)ના સાગર છે,જેમણે રાવણના અહંકારનો વિનાશ કર્યો હતો,
એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् ।
सिद्धसुरासुरवन्दितलिङ्गं तत् प्रणमामि सदाशिव लिङ्गम् ॥ ३॥


જેમનું લિંગ-સ્વરૂપ,સુગંધિત અત્તરોથી લેપિત છે,જે બુદ્ધિથી આત્મજ્ઞાનની વૃદ્ધિ થવાનું કારણ છે,
જે સિદ્ધ મુનિઓ,દેવતાઓ ને દાનવો એ સર્વ દ્વારા પૂજાય છે,
એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

कनकमहामणिभूषितलिङ्गं फनिपतिवेष्टित शोभित लिङ्गम् ।
दक्षसुयज्ञ विनाशन लिङ्गं तत् प्रणमामि सदाशिव लिङ्गम् ॥ ४॥


જે લિંગ સ્વરૂપ સોના અને રત્નજડિત આભૂષણોથી સુસજ્જ છે,જે ચારે બાજુથી સર્પથી ઘેરાયેલ છે,
અને જેમણે (માતા સતીના પિતા) દક્ષના યજ્ઞનો વિનાશ કર્યો હતો,
એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् ।
सञ्चितपापविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिव लिङ्गम् ॥ ५॥


જે લિંગ સ્વરૂપ,કંકુ અને ચંદનથી લેપાયેલ છે,જે સુંદર કમળોના હારથી શોભાયમાન છે,તથા
જે સંચિત પાપકર્મોનો વિનાશક છે એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

देवगणार्चित सेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गम् ।
दिनकरकोटिप्रभाकरलिङ्गं तत् प्रणमामि सदाशिव लिङ्गम् ॥ ६॥


જે લિંગ સ્વરૂપ,દેવગણો દ્વારા પૂર્ણ શ્રદ્ધાથી અને ભક્તિભાવથી પૂજાય છે,જે હજારો સૂર્ય સમાન તેજસ્વી છે,
એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् ।
अष्टदरिद्रविनाशितलिङ्गं तत् प्रणमामि सदाशिव लिङ्गम् ॥ ७॥


જે લિંગ સ્વરૂપ,પુષ્પના અષ્ટદલના માધ્યમ વિરાજમાન છે,જે સૃષ્ટિની સર્વ ઘટનાઓના રચયિતા છે,અને
જે આઠ પ્રકારની દરિદ્રતા હરનાર છે એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

सुरगुरुसुरवरपूजित लिङ्गं सुरवनपुष्प सदार्चित लिङ्गम् ।
परात्परं परमात्मक लिङ्गं तत् प्रणमामि सदाशिव लिङ्गम् ॥ ८॥


જે લિંગ સ્વરૂપ,દેવતાઓ,ગુરુજનો દ્વારા પૂજિત છે,જેની પૂજા દેવતાઓના દિવ્ય-બગીચાઓના ફૂલોથી થાય છે,
જે પરબ્રહ્મ-રૂપ છે,જે અનાદિ (આદિ-અંત વિનાના) છે
એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ ।
शिवलोकमवाप्नोति शिवेन सह मोदते ॥


જે કોઈ,શિવજી કે શિવલિંગ પાસે બેસી આ લિંગાષ્ટકનો શ્રદ્ધા-સહિત પાઠ કરે છે,તેને શિવલોક પ્રાપ્ત થાય છે.
અને ભગવાન સદાશિવ (ભોલેનાથ) તેની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

May 7, 2022

દેવોના પૂજન (દેવાર્ચન)ની સાચી રીત

'યોગ વાસિષ્ઠ' પ્રકરણ-6 (નિર્વાણ પ્રકરણ-પૂર્વાર્ધ) ના સર્ગ-29 માં વસિષ્ઠ મુનિ શિવજીને પ્રશ્ન કરે છે-

કયા પ્રકારથી દેવ-પૂજન (દેવાર્ચન) કરવું જોઈએ?કે જેથી પાપોનો નાશ થાય ને કલ્યાણ થાય?

ત્યારે શિવજી (સદાશિવ) કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,ખરા (સાચા) દેવ કોણ છે? એ તમે જાણો છો?

હું (શિવજી),બ્રહ્મા,વિષ્ણુ,ઇન્દ્ર,વાયુ,સૂર્ય,ચંદ્ર કે અગ્નિ -એ કોઈ પણ ખરા દેવ (ઈશ્વર) નથી.

તે જ રીતે,બ્રાહ્મણ,રાજા,રુદ્ર (શિવજીનો અવતાર) કે તમે પણ ખરા દેવ નથી.


જે કોઈ દેહ રૂપે (કે ચિત્ત-રૂપે) હોય તે દેવ (ઈશ્વર) હોવાનું સંભવી શકે જ નહિ.

જે શોભતું હોય (કે શોભારૂપ દેખાતું હોય) કે બુદ્ધિ-રૂપ હોય,તે સાચો દેવ (ઈશ્વર) હોઈ શકે નહિ.

દેશ-કાળ કે વસ્તુથી જે મર્યાદામાં આવતો હોય તે સાચો દેવ (ઈશ્વર)કેવી રીતે હોઈ શકે?


એટલે,જો,સત્યથી જોવામાં આવે તો,આદિ-અંત (મર્યાદા)થી રહિત,જે નિરાકાર ચૈતન્ય-પ્રકાશ છે-અને 

આ સઘળું જગત,જે પરમાત્માની સત્તાથી સત્તા પામ્યું છે,

તે જ સાચો દેવ (ભગવાન-ઈશ્વર-પરમાત્મા કે બ્રહ્મ) છે.માટે તેનું (સાચા દેવ કે ઈશ્વર) જ પૂજન કરવું જોઈએ.


(નોંધ-આમ,વાસ્તવમાં (સત્યમાં) જે દેહ (શરીર કે મૂર્તિ) કે ચિત્ત-રૂપ હોય,તે ભગવાન (ઈશ્વર) હોવો સંભવે જ નહિ.

હા,સર્વમાં ભગવાન રહેલા છે-એ રીતે જોઈએ તો તે ભગવાન છે,ને જગતની સર્વ વસ્તુઓમાં પણ ભગવાન છે.

દેવ-દેવી કે દેવ-દેવીની મૂર્તિ -એ-ભગવાન (ઈશ્વર કે પરમાત્મા) નથી પણ મૂર્તિમાં ભગવાન છે.

સત્યમાં,આ ભગવાન,'ખોળવા'થી મળતો નથી,પણ,તેને 'ઓળખવા'ની જરૂર છે?

ગીતામાં (અધ્યાય-7-24)માં શ્રીકૃષ્ણ કહે છે કે-મારા ઉત્કૃષ્ટ,અવિનાશી,નિરાકાર ભાવને ન જાણનાર અજ્ઞાની લોકો,

'હું (બ્રહ્મ તરીકે) અવ્યક્ત (કે નિરાકાર) હોવા છતાં મને સાકાર (દેવ) માને છે (ને મારી અવગણના કરે છે!!)


જેમ,ચાર માઈલ ચાલવા જેટલી જેની શક્તિ હોય નહિ-

તેને તેના ગજા પ્રમાણે એક ગાઉ (માઈલ) ચાલવાનું કહેવામાં આવે છે-

તેમ,જેઓને "ચૈતન્ય-પ્રકાશ-રૂપ-સાચા-પરમાત્મા" (સાચા દેવ) નું જ્ઞાન નથી-

તેઓને માટે શાસ્ત્ર-કારોએ તેમના જ્ઞાનની મર્યાદા પ્રમાણે,સાકાર (દેવો કે મૂર્તિ) વગેરેનું પૂજન કહેલું છે.


(રુદ્ર-આદિ) સાકારોનું પૂજન કરવાથી અમુક જ (કૃત્રિમ) ફળ મળે છે,પણ,

ચૈતન્ય-પ્રકાશ-રૂપ-આત્મા (પરમાત્મા) નું પૂજન કરવાથી તો-આદિ-અંતથી રહિત-સ્વરૂપાનંદ પ્રાપ્ત થાય છે.

કે જે સ્વરૂપાનંદ અકૃત્રિમ છે, જે પુરુષ આવા અકૃત્રિમ ફળને ત્યજી દઈને કૃત્રિમ ફળ લેવા દોડે છે-

તે પુરુષ,કલ્પવૃક્ષના વનને ત્યજીને કાંટાવાળા વનમાં જાય છે તેમ જ સમજવું.


એટલે,નિર્મળ,નિરતિશય,આનંદ-રૂપ જે ચૈતન્ય માત્ર આત્મા છે,તે જ પૂજ્ય (પૂજવાલાયક) છે-

એમ તત્વજ્ઞાનીઓએ સિદ્ધાંત કરેલો છે.


ઉપશમ,બોધ,સમતા-આદિ-પુષ્પો-રૂપીથી આત્મા-રૂપ દેવનું અર્ચન કરવું એ જ સાચું પરમાત્માનું પૂજન છે,

પણ આકારનું (મૂર્તિ-કે મનુષ્ય-વગેરે-રૂપી આકાર નું) પૂજન કરવું તે સાચું પરમાત્માનું પૂજન નથી.

એટલે,જે લોકો આત્મા-રૂપ-પરમાત્માનું પૂજન ત્યજીને કૃત્રિમ પૂજનોમાં લાગ્યા રહે છે,

તેઓ લાંબા કાળ સુધી કલેશને પ્રાપ્ત થયા કરે છે.


જેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય છે-એવા મહાત્માઓ કદાચિત,આત્મ-ધ્યાન ત્યજી દઈને,

સાકાર દેવ (મૂર્તિ-વગેરે) નું પૂજન કરતા જોવામાં આવતા હોય-તો

તેઓ બાળકોની જેમ લીલા કરે છે-તેમ સમજવું.


જે સર્વના કારણભૂત અને પરમ શિવ-આત્મ-સ્વ-રૂપ-પરમાત્મ-દેવ છે-

તેનું જ સર્વદા અખંડિત રીતે,પૂજન કરવું જોઈએ.

આમ,આત્મા જ પૂજ્ય છે-અનાત્મા પૂજ્ય નથી-કેમ કે બોધ-રૂપ આત્મ-પૂજન-તે જ મુખ્ય પૂજન છે.