Jul 3, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1197

બ્રહ્મસત્તા જ પોતા વડે પોતાના સ્વરૂપમાં,જાણે જગત-રૂપે અવિર્ભાવને પ્રાપ્ત થઇ ગઈ હોય,તેવી બની જાય છે
અને પૃથ્વી-આદિ સંજ્ઞાઓને કલ્પી લે છે.આમ પૃથ્વી-આદિનો પ્રથમ અસંભવ છે,એટલે જગત સાકાર નથી,
તેમ જ તે સ્મૃતિથી બનાવાયેલું (સ્મૃત્યાત્મક) પણ નથી કે ભ્રાંતિ-રૂપ પણ નથી.
તે જગત તો કેવળ બ્રહ્મ-રૂપ જ છે અને એ બ્રહ્મ જ સુંદર જગતના આકારે વિવર્ત-રૂપે પ્રતીતિમાં આવે છે.
વસ્તુતઃ તો તે (બ્રહ્મ) 'એક' જ છે ને સૃષ્ટિ-પ્રલયના સમયમાં વિકારને નહિ પામતાં પોતાના સ્વરૂપમાં જ રહે છે.
તે બ્રહ્મ દૃશ્ય-રૂપે પ્રતીતિમાં આવે છે છતાં આકાશરૂપ,શાંત,નિત્ય અને નિરાકાર છે.

Jul 2, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1196

સર્વના આત્મા-રૂપ,એ ચિદાકાશની અંદર કાકતાલીયની જેમ (જે કંઈ કારણના યોગે) સ્ફૂર્તિઓનો ઉદય થાય છે,
તેની જ 'સ્મૃતિ' એવી સંજ્ઞા કરવામાં આવી છે.ને તે ચિદાકાશના એક અવયવ જેવી છે અને સ્વતઃ (પોતે)તો
વિકાર-શૂન્ય (નિર્વિકાર) જ છે.આમ,સર્વના આત્મા-રૂપ-ચિદાકાશનું પોતાનું સત્ય-સ્વરૂપ,પોતાના અનુભવમાં
જે જે વિષયને પોતાની મેળે જ વિસ્તારી દે છે,તેને (પૂર્વે અનુભવાયેલા પદાર્થની સ્ફૂર્તિના સમાન-પણાને લીધે)
પછી (પાછળ)થી વિદ્વાનો 'સ્મૃતિ'નામથી ઓળખે છે.

Jul 1, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1195

હે રામચંદ્રજી,પ્રથમના (આદિ ) પ્રજાપતિ(બ્રહ્મા)મુક્ત થઇ જવાથી ફરીવાર તેના દેહ,બુદ્ધિ આદિ ઉત્પન્ન થતાં નથી.
વળી નવા પ્રજાપતિને જગતની રચનાની 'સ્મૃતિ' એ પણ સંભવતું નથી.
કદાચિત 'તે પ્રજાપતિને તેના પૂર્વ-સંસ્કારના બળથી પ્રથમની જેમ જગતની રચના કરવાની સ્મૃતિ થાય અને તેથી
ફરીવાર તેનો દેહ આદિ ઉત્પન્ન થાય છે' એવું માનવામાં આવે-તો પણ તેનો એ દેહ પણ મનોમય જ છે,
એટલે કે પૃથ્વી-આદિ પંચમહાભૂતથી ઉત્પન્ન નહિ થયેલો-સંકલ્પથી ખડો થઇ ગયેલો (મિથ્યા) જ છે.
આથી કોઈ પણ દેશ-કાળમાં તેને કશી પણ સ્મૃતિ સંભવતી નથી કેમ કે તત્વ દૃષ્ટિથી જોતાં તો તે છે જ નહિ !