Jun 21, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1185

વસિષ્ઠ કહે છે કે-તે અતિ-દૃઢ શિલા કોઇથી ભેદી  શકાય કે આલેખી શકાય તેમ નથી અને તેનો કોઈ ભેદનાર
કે આલેખનાર પણ નથી.આ સર્વ એ અપાર અને અનંત (બ્રહ્મ-રૂપ) દેહવાળી એ શિલાથી વ્યાપ્ત છે.
એ શિલાની અંદર અનંત વૃક્ષો,પર્વતો,નગરો-વગેરે અનંત રેખાઓ-રૂપે રહેલાં છે.તેમાં પ્રતિમા (મૂર્તિ) ની જેમ
દેવતાઓ અને દૈત્યો.સ્થૂળ-સૂક્ષ્મ,સાકાર-નિરાકાર-રૂપે રેખાના આકારે રહેલા છે.તે શિલાની અંદર આકાશ નામની
એક વિશાળ રેખા રહેલી છે અને તેના મધ્યમાં સૂર્ય-ચંદ્ર-નામની ઉપ-રેખાઓ પણ રહેલી છે.

Jun 20, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1184

(૧૬૬) ખ્યાતિઓ વિષે વર્ણન

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,'આત્મ' શબ્દ અને 'ખ્યાતિ'શબ્દ-એ બંનેથી રહિત એવો 'આત્મ-ખ્યાતિ' શબ્દ છે.
અને તે શિલાના અંદરના ગર્ભ જેવી એકરસ છે.સૃષ્ટિના આદિકાળથી આરંભી ચિદાકાશ જ આવા-રૂપે પ્રસરી રહેલું છે.
ખ્યાતિ શબ્દથી અને ખ્યાતિ શબ્દના અર્થથી-રહિત સ્વયંપ્રકાશ આત્માને જ વિદ્વાનો 'આત્મ-ખ્યાતિ' શબ્દ-રૂપ સમજે છે.
જો કે આ આત્મા સર્વ જગત-રૂપ છે અને તેનામાં કશી પણ ખ્યાતિ રહી નથી.
વળી કોઈ ખ્યાતિએ તેને કોઈ પણ દેશ-કાળમાં પ્રખ્યાત કરેલો નથી,તેથી તેમાં 'અખ્યાતપદ' જ ઘટી શકે છે.

Jun 19, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1183

(૧૬૫) જાગ્રત-સ્વપ્નનું ઐક્ય
વસિષ્ઠ કહે છે કે-મનોરાજ્ય-એ ક્ષણિક હોવાથી જાગ્રતમાં સ્વપ્ન જેવું છે વળી,મનોરાજ્ય-રૂપી-સ્વપ્ન જ
જાગ્રત-ભાવને પ્રાપ્ત થાય છે.સ્વપ્નમાં પ્રતીતિમાં આવતી જાગ્રત અવસ્થા મુજબ જ જાગ્રત એ સ્વપ્ન અવસ્થાને
પ્રાપ્ત થઇ જાય છે.આમ,સ્વપ્ન એ જાગ્રતમાં અનુસ્યૂત (પરોવાયેલું) છે તો જાગ્રત એ સ્વપ્નમાં અનુસ્યૂત છે.
સ્વપ્ન-રૂપ-જાગ્રતમાંથી પ્રબુદ્ધ થયેલો આત્મા પાછો જાગ્રત-રૂપી-સ્વપ્નમાં પ્રવેશ કરે છે.