અધ્યાય-૨૫-સંજયે ધૃતરાષ્ટ્રનો સંદેશો કહ્યો
II युधिष्ठिर उवाच II समागताः पांडवा: सृंजयाश्च जनार्दनो युयुधानो विराटः I
यते वाक्यं धृतराष्ट्रानुशिष्टं गावल्गणे ब्रुहि तत्सुतपुत्र II १ II
યુધિષ્ઠિર બોલ્યા-હે ગાવલ્ગણ સૂતના પુત્ર સંજય,અહીં પાંડવો,સૃન્જયો,શ્રીકૃષ્ણ,સાત્યકિ,
વિરાટ આદિ સર્વ એકઠા થયા છે માટે ધૃતરાષ્ટ્રે જે સંદેશો કહ્યો હોય તે અમને સર્વને કહે.
સંજય બોલ્યો-હું કૌરવોના કલ્યાણની ઈચ્છાથી જે કહું છું તે તમે સર્વ સાંભળો.ધૃતરાષ્ટ્ર રાજા સલાહ-શાંતિને અભિનંદન આપે છે એટલે જ તેમને ઉતાવળથી રથ જોડાવી મને અહીં મોકલ્યો છે.તે તમને સર્વને રુચિકર થાઓ ને તેથી શાંતિ થાઓ.હે પૃથાપુત્રો તમે સર્વધર્મથી સંપન્ન છો,સરળતાથી યુક્ત છો,ને કર્મના નિશ્ચયને જાણનારા છો,તમારી સાધુતા જ એવી છે કે તમારા હાથે હિંસાવાળું કર્મ થવું યોગ્ય નથી.જો તમારામાં પાપ હોય તો તે તરત જ જણાઈ આવે પણ તેવું નથી જ.જે કર્મમાં સર્વ શૂન્ય કરી નાખનારો મહાન ક્ષય,જે જય પણ પરાજય જેવો જ હોય તેવા યુદ્ધરૂપી કર્મને જાણનાર પુરુષ કદાપિ પણ તે કરવા તૈયાર થાય નહિ.