અધ્યાય-૨૦-કૌરવો આગળ દ્રુપદના પુરોહિતનું ભાષણ
II वैशंपायन उवाच II स च कौरव्यमासाद्य द्रुपदस्य पुरोहितः I सत्कृतो धृतराष्ट्रेण भीष्मेण विदुरेण च II १ II
વૈશંપાયન બોલ્યા-તે દ્રુપદનો પુરોહિત ધૃતરાષ્ટ્ર પાસે ગયો,કે જ્યાં ધૃતરાષ્ટ્રે,ભીષ્મે તથા વિદુરે તેનો સત્કાર કર્યો.
પુરોહિતે પ્રથમ પાંડવોના કુશળ સમાચાર કહીને તેમની વતી તે સર્વના કુશળ પૂછ્યા ને સર્વ નેતાઓની વચ્ચે તેણે કહ્યું કે-'તમે સર્વ પુરાતન રાજધર્મને જાણો છો છતાં આ સંબંધમાં તમારા અભિપ્રાયના વચનો સાંભળવાના હેતુથી હું તમને કંઈક કહું છું.એક પિતાના બે પુત્રો ધૃતરાષ્ટ્ર અને પાંડુનો પિતાના ધન પર સમાન હક છે.એમાં સંશય નથી તો ધૃતરાષ્ટ્રના પુત્રોને પિતૃધન મળ્યું પણ પાંડુના પુત્રોને તે પિતૃધન કેમ મળ્યું નથી?ખરી રીતે તો ધૃતરાષ્ટ્રે પ્રથમથી જ તે ધન દબાવી દીધેલું હોવાથી પાંડવોને તે પિતૃધન મળ્યું નથી,એ તમે સર્વ યથાર્થ રીતે જાણો છો.