અધ્યાય-૯-વિશ્વરૂપનો વધ
II युधिष्ठिर उवाच II कथमिंद्रेण राजेन्द्र सभार्येण महात्मना I दुःखं प्राप्तं परं घोरमेतदिच्छामि वेदितुम II १ II
યુધિષ્ઠિરે પૂછ્યું-હે રાજેન્દ્ર,મહાત્મા ઇન્દ્રને તથા તેની ભાર્યાને કેવી રીતે
મહાભયંકર દુઃખ પ્રાપ્ત થયું હતું? તે જાણવાની હું ઈચ્છા રાખું છું.
શલ્ય બોલ્યો-આ સંબંધમાં એક પુરાતન ઇતિહાસ તમે સાંભળો.પૂર્વે દેવોમાં શ્રેષ્ઠ એવા મહાતપસ્વી ત્વષ્ટા નામના પ્રજાપતિ હતા.તેમણે ઇન્દ્ર પ્રતિ દ્રોહથી વિશ્વરૂપ નામનો ત્રણ માથાંવાળો પુત્ર ઉત્પન્ન કર્યો હતો.કે જે વિશ્વરૂપ ઇન્દ્રપદની ઈચ્છા કરતો હતો.તેનાં સૂર્ય,ચંદ્ર અને અગ્નિના જેવાં ત્રણ મુખો હતાં.એક મુખથી તે વેદ ભણતો હતો,બીજા મુખથી તે મદિરાપાન કરતો હતો અને ત્રીજા મુખથી તે સર્વ દિશાઓને પી જતો હોય તેમ જોતો હતો.