અધ્યાય-૬૮-વિરાટનો હર્ષોન્માદ
II वैशंपायन उवाच II धनं चापि विजित्याशु विराटो वाहिनीपतिः I विवेश नगरं हृष्टश्चतुर्भिः पाण्डवैः सह II १ II
વૈશંપાયન બોલ્યા-આ બાજુ સેનાપતિ વિરાટરાજ પણ પોતાનું ગોધન જીતીને ચાર પાંડવો સાથે હર્ષપૂર્વક નગરમાં પ્રવેશ્યો.
સંગ્રામમાં ત્રિગર્તોને હરાવીને ઐશ્વર્યસંપન્ન થયેલા વિરાટરાજને અભિનંદન અને સન્માન આપવા બ્રાહ્મણો ને મંત્રીમંડળ આવ્યું.
સન્માન આપીને તે સર્વ વિદાય થયા ત્યારે વિરાટરાજે ઉત્તરના સંબંધી પૂછ્યું એટલે અંતઃપુરવાસીઓએ સર્વ વૃતાંત કહ્યું.
પોતાનો રણઉત્સાહી પુત્ર બૃહન્નલાને સારથી કરીને રથમાં કુરુઓ સામે યુદ્ધમાં ગયો છે એ સાંભળીને વિરાટરાજ સંતાપમાં પડ્યો ને મંત્રીઓને કહેવા લાગ્યો કે-'ત્રિગર્તોને નાસી છૂટેલા સાંભળીને કુરુઓ અને બીજા રાજાઓ સાવ ઉભા નહિ રહે.
આથી જે યોદ્ધાઓ ત્રિગર્તો સાથેના યુદ્ધમાં ઘવાયા ન હોય તે સેનાથી વીંટળાઈને ઉત્તરના રક્ષણ અર્થે જાઓ.'