અધ્યાય-૨૦૫-પતિવ્રતાનું માહાત્મ્ય
II वैशंपायन उवाच II ततो युधिष्ठिरो राजा मार्कण्डेयं महाध्युतिम् I पप्रच्छ भरतश्रेष्ठ धर्मप्रश्नं सुदुर्विदम् II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,હે ભરતશ્રેષ્ઠ,યુધિષ્ઠિરે મહાકાંતિવાળા માર્કંડેયને સહેજે ન સમજી શકાય એવો આ ધર્મપ્રશ્ન પૂછ્યો કે-'હે ભગવન,હું સ્ત્રીઓનું ઉત્તમ માહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું તે યથાર્થ કહો.સૂર્ય,ચંદ્ર,વાયુ,પૃથ્વી,પિતા,
માતા,ગુરુ અને જે કોઈને દેવ કહેવામાં આવે છે,તે આ લોકમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે.સર્વ ગુરુજનો ને પતિવ્રતા સ્ત્રીઓ માનપાત્ર છે,આ બંનેમાં પતિવ્રતાઓની પતિસેવા મને ભારે કઠણ જણાય છે,કેમ કે તેઓ ઇન્દ્રિયોને વશ રાખી,મનનો નિરોધ કરી,પતિને જ દેવ માનીને તેમના જ ચિંતનમાં રહે છે,વળી તેમને માતપિતાની સેવા પણ કરવાની હોય છે,સ્ત્રીઓના અતિ કઠિન ધર્મ જેવું દુષ્કર હું કશું જોતો નથી.