Apr 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-797

 

અધ્યાય-૧૪૨-શ્રીકૃષ્ણનાં વાક્ય 


II संजय उवाच II कर्णस्य वचनं श्रुत्वा केशवः परवीरहा I उवाच प्रहसन्वाक्यं स्मितपुर्वमिदं यथा II १ II

સંજયે કહ્યું-કર્ણનાં વચન સાંભળીને કેશવ,મુખ મલકાવી હસતા હસતા કહેવા લાગ્યા કે-હે કર્ણ,તું રાજ્યપ્રાપ્તિનો ઉપાય સ્વીકારતો નથી અને મારી આપેલી પૃથ્વીનું રાજ્ય ઈચ્છતો નથી,ત્યારે અવશ્ય પાંડવોનો જ જય થશે,એમાં કોઈ પણ જાતનો સંદેહ જણાતો નથી.જેના ઉપર વાનરરાજ બેઠેલો છે તે અર્જુનનો જયધ્વજ ઉંચે ફરકી રહેલો જ દેખાય છે.વિશ્વકર્માએ એ ધ્વજમાં ઇન્દ્રધ્વજના જેવી અતિ ઉત્તમ દિવ્ય માયા રચેલી છે અને એમાં જયને વહન કરનારા ભયાનક દિવ્ય ભૂતો રહેલા  જોવામાં આવે છે.હે કર્ણ,અર્જુનનો એ ઊંચો કરેલો ધ્વજ અગ્નિ જેવો દેદિપ્યમાન જણાય છે અને તે ચાર ગાઉ સુધી ઉંચે તથા આડે ફેલાયેલો છે છતાં ક્યાંય ઝાડ તથા પહાડમાં અટકતો નથી.

જ્યારે,તું કૃષ્ણ જેના સારથી છે તે શ્વેત ઘોડાવાળા અર્જુનને સંગ્રામમાં ઐન્દ્રાસ્ત્ર,અગ્ન્યાસ્ત્ર અને મારૂતાસ્ત્ર પ્રગટ કરતો જોઈ અને વજ્રના કાટકા જેવા ગાંડીવ ધનુષના ટંકારને સાંભળીશ ત્યારે કૃત,ત્રેતા ને દ્વાપર પ્રવર્તશે નહીં.જ્યારે તું સંગ્રામમાં જપ તથા હોમ પરાયણ કુંતીપુત્ર યુધિષ્ઠિરને પોતાની મહાસેનાનું રક્ષણ કરતા તથા આદિત્યની પેઠે અસહ્ય તેજ વડે શત્રુસેનાને તપાવતા જોઈશ ત્યારે કૃત ત્રેતા અને દ્વાપર પ્રવર્તશે નહિ.જયારે તું ભીમસેનને દુઃશાસનનું રુધિર પીને રણમાં નાચતો જોઇશ,જયારે તું નકુલ-સહદેવને,કૌરવોની સેનાને ડહોળી નાખતા જોઇશ,ત્યારે કૃત,ત્રેતા અને દ્વાપર પ્રવર્તશે નહિ.

(નોંધ-કૃત,ત્રેતા અને દ્વાપર એટલે પાસાની ખટપટ-ચોક્કો,તીરી,દુરી-એ કામમાં આવશે નહિ)


હે કર્ણ,તું અહીંથી જઈને દ્રોણ,ભીષ્મ ને કૃપને કહેજે કે-આજથી સાતમે દિવસે અમાવાસ્યા આવશે,તે તિથિએ સંગ્રામની યોજના કરો.તે તિથિ ઇન્દ્રની છે એમ વિદ્વાનો કહે છે.અને ત્યાં જે રાજાઓ આવ્યા છે તેમને કહેજે કે-તમારા મનમાં જે ઈચ્છા છે,તે સર્વ હું સંપાદન કરીશ,દુર્યોધનને આધીન થઈને તે રાજપુત્રો મરણને શરણ થઈને ઉત્તમ ગતિ પામશે (20)

અધ્યાય-142-સમાપ્ત