અધ્યાય-૧૪૧-કર્ણનો પ્રત્યુત્તર
II कर्ण उवाच II असंशयं सौह्यादान्मे प्रणयाच्चात्थ केशव I सख्येन चैव वार्ष्णेय श्रेयस्काम तयैव च II १ II
કર્ણે કહ્યું-હે કેશવ,ખરેખર તમે મને જે કહ્યું,તે સ્નેહથી,પ્રેમથી,મિત્રતાથી અને મારા કલ્યાણની જ ઈચ્છાથી કહ્યું છે.
ધર્મશાસ્ત્રના નિયમ પ્રમાણે,ને તમે કહ્યું તેમ હું ધર્મથી પાંડુનો પુત્ર છું.કુંતીએ કન્યાવસ્થામાં સૂર્યથી મારો ગર્ભ ધારણ કર્યો અને મારો જન્મ થયા પછી તેમણે સૂર્યનાં વચનથી મને ત્યજી દીધો હતો.કુંતીએ તે વખતે મારુ ભલું ન થાય તે રીતે મારો ત્યાગ કરી દીધો ત્યારે અધિરથ સૂત મને જોતાં જ તુરત પોતાને ઘેર લઇ ગયો અને સ્નેહથી રાધાને સોંપ્યો.મારા પર સ્નેહ થવાથી રાધાના સ્તનમાં દૂધ ઉતર્યું.હે માધવ,જેણે મારાં મળમૂત્ર ઉપાડ્યાં ને મને મોટો કર્યો તેને હું કેમ ત્યાગી શકું?
અધિરથે,પુત્રપ્રિતીથી શાસ્ત્રોક્ત વિધિથી મારા જાતકર્માદિ સંસ્કારો કરાવી બ્રાહ્મણો દ્વારા મારુ 'વસુષેણ'એવું નામ પાડ્યું અને તેમણે મારો સ્વીકાર કરવાથી જ હું યૌવન આવતા ભાર્યા પરણી શક્યો,કે જેનાથી મને પુત્રો ને પૌત્રો પ્રાપ્ત થયા છે.આ સર્વ કુટુંબમાં મારુ હૃદય સ્નેહથી બંધાઈ ગયું છે,કે જેમનો સ્નેહ, હું પૃથ્વીના લાભથી,સુવર્ણના ઢગલાઓથી,હર્ષથી કે ભયથી મિથ્યા કરવા ઈચ્છતો નથી.વળી,દુર્યોધનના આશ્રયથી મેં તેર વર્ષ સુધી નિષ્કંટક રાજય ભોગવ્યું છે.તે દુર્યોધને મને મિત્ર તરીકે મેળવીને પાંડવો સાથે વિરોધ કરીને શસ્ત્ર ઉઠાવવાનો ઉદ્યમ કર્યો છે અને સંગ્રામમાં અર્જુનની સામે યુદ્ધમાં મને નક્કી કરી રાખ્યો છે.
હે જનાર્દન,હું વધ,બંધન,ભય અથવા લોભને લીધે પણ દુર્યોધન સાથે અસત્ય વર્તન કરવા ઈચ્છતો નથી.(17)
જો હવે હું અર્જુનની સામે યુદ્ધમાં ન જાઉં,તો મારી અને અર્જુનની બંનેની અપકીર્તિ થાય.હે મધુસુદન,તમે મારા હિતને માટે પાંડવોને આ વાત જરૂર કહેજો,પાંડવો તમારે આધીન છે એટલે તેઓ તમારા કહેવા પ્રમાણે સર્વ કરે તેમાં સંદેહ નથી.
આપણી વચ્ચે થયેલી આ ગુપ્ત વાતને તમે અહીં જ દાબી દેજો,એમ કરવું જ હિતકારક છે કારણકે ધર્માત્મા યુધિષ્ઠિર,જો 'હું કુંતીનો પ્રથમ પુત્ર છું' એમ જાણશે તો તે રાજ્ય ગ્રહણ કરશે નહિ અને જો મને રાજ્ય મળે તો તે હું દુર્યોધનને જ આપવાનો.
આમ ન થાય તે માટે,મારી ઈચ્છા છે કે શ્રીકૃષ્ણ જેના નેતા છે તે ધર્માત્મા યુધિષ્ઠિર જ રાજા થાય.હે કૃષ્ણ,આ ક્ષત્રિયોનો મહાસમુદાય જયારે એકઠો થયો ત્યારે જ 'આ રાજ્ય યુધિષ્ઠિરને પ્રાપ્ત થયું' એમ સર્વ રાજાઓ પણ માને છે.
હે જનાર્દન,દુર્યોધનનો શસ્ત્રયજ્ઞ ચાલુ થશે ત્યારે એ યજ્ઞના તમે ઉપદ્રષ્ટા થશો,ને અધ્વર્યપણું પણ તમારું જ થશે.
મેં દુર્યોધનને સારું લગાડવા માટે પાંડવોને જે વચનો કહ્યાં હતાં તે દુષ્કર્મથી હું સંતાપ પામું છું.તમે જયારે અર્જુનના હાથે મને મરેલો જોશો,ત્યારે આ યજ્ઞ પછીના ચયનનો આરંભ થશે.જયારે ગર્જના કરતો ભીમ દુઃશાસનનું રુધિર પીશે ત્યારે એ યજ્ઞમાં સોમપાન થયું ગણાશે.જયારે ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડી દ્રોણને અને ભીષ્મને પાડશે ત્યારે તે યજ્ઞની સમાપ્તિ થશે.દુર્યોધને માંડેલો આ યજ્ઞ જયારે,તેને ભીમ મારશે ત્યારે જ સમાપ્ત થશે.
હે મધુસુદન,વિદ્યાવૃદ્ધ અને વયોવૃદ્ધ ક્ષત્રિયો,યુદ્ધ વિનાના મૃત્યુને ન પામે તેમ જ તમે કરજો,અર્થાંત યુદ્ધ થવા જ દેજો.
જે રીતે સમગ્ર,ક્ષાત્રમંડળ સ્વર્ગને પ્રાપ્ત થાય તે રીતે તમે આ સંબંધમાં તમારી ઈચ્છા પ્રમાણે ઉપાય કરજો.જ્યાં સુધી આ પર્વતો,નદીઓ રહેશે ત્યાં સુધી તમારો કીર્તિ કરનારો શબ્દ કાયમ રહેશે.આ સંગ્રામમાં ક્ષત્રિયોને યશરૂપી ધન અપાવનારું આ મહાભારત યુદ્ધનું,સમાજોમાં બ્રાહ્મણો વર્ણન કરશે.હે કેશવ,હવે તો તમે આપણી આ વાત નિત્ય ગુપ્ત રાખીને,સંગ્રામમાં મારી સામે યુદ્ધ કરવા અર્જુનને તેડી લાવજો.(57)
અધ્યાય-141-સમાપ્ત