અધ્યાય-૧૪૦-શ્રીકૃષ્ણે કર્ણને સમજાવવાનો પ્રયત્ન કર્યો
II धृतराष्ट्र उवाच II राजपुत्रै: परिवृतस्तथा मृत्यैश्च संजय I उपारोप्य रथे कर्णे निर्यातो मधुसूदनः II १ II
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,શ્રીકૃષ્ણ,રાજપુત્રોથી તથા સેવકોથી વીંટાઇને એકલા કર્ણને રથમાં બેસાડીને અહીંથી ચાલી નીકળ્યા.
ત્યારે તે ગોવિંદે કર્ણને શું કહ્યું?તેમણે કર્ણને જે કોમળ કે તીવ્ર વચનો કહ્યાં હોય તે તું મને કહે
સંજયે કહ્યું-શ્રીકૃષ્ણે જે વચનો કહ્યાં હતાં તે હું અનુક્રમથી તમને કહું છું તે સાંભળો.
વાસુદેવે કહ્યું-હે રાધાપુત્ર,તેં બ્રાહ્મણોની ઉપાસના કરી છે,તું સનાતન વેદવાદને જાણે છે અને તેં ધર્મશાસ્ત્રના સિદ્ધાંતો પણ જાણ્યા છે.જે કન્યાને લગ્ન પહેલાં પુત્ર થયો હોય અથવા જે પુત્ર લગ્ન વખતે પેટમાં હોય તે બંને પુત્રો કાનીન કહેવાય છે અને તે કન્યા સાથે લગ્ન કરનાર તેનો પિતા ગણાય છે એમ શાસ્ત્રવેત્તા લોકો કહે છે.તું પણ તે પ્રમાણે જ કુંતીથી ઉત્પન્ન થયો છે એટલે ધર્મથી તું પાંડુનો પુત્ર છે માટે પાંડવોના પક્ષમાં આવ,એટલે ધર્મશાસ્ત્રના નિયમ પ્રમાણે તું રાજા થઈશ.પિતૃપક્ષના પાંડવો અને માતૃપક્ષના યાદવો એ બંને પક્ષો તારા છે એમ તું જાણ.જો,તું અહીંથી મારી સાથે આવીશ તો આજે તને પાંડવો,યુધિષ્ઠિરથી પણ પ્રથમ ઉત્પન્ન થયેલા કુંતીપુત્ર તરીકે જાણશે.અને પોતાના પુત્રો સાથે તારા પગમાં પડશે.વળી,પાંડવો માટે આવેલા રાજાઓ પણ તારા ચરણમાં પ્રણામ કરશે.દ્રૌપદી,વર્ષના છઠ્ઠા ભાગમાં એટલે બે માસ તારી પાસે આવશે.
દ્વિજશ્રેષ્ઠ ધૌમ્ય,પાંડવો ને હું પોતે તારો પૃથ્વીપતિ રાજા તરીકે અભિષેક કરીશું.યુધિષ્ઠિર યુવરાજ થઈને તારી પાછળ રથમાં બેસશે.ને તારા રથને અર્જુન હાંકશે.તારા મસ્તક પર ભીમસેન છત્ર ધારણ કરશે.નકુલ,સહદેવ,દ્રૌપદીના પાંચ પુત્રો,પાંચાલો અને સર્વ રાજાઓ તારા અનુનાયી થશે.હે મહાબાહુ,તું જપ,હોમ તથા અનેક પ્રકારનાં મંગલ કાર્યો કરતો પાંડવભાઈઓ સાથે રાજ્યનો ઉપભોગ કર.ને કુંતીને આનંદ આપ.તારા શત્રુઓ વ્યથા પામો ને પાંડવો સાથે તારો ભાતૃપ્રેમ જોડાઓ (29)
અધ્યાય-140-સમાપ્ત