Apr 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-794

 

અધ્યાય-૧૩૮-ભીષ્મ તથા દ્રોણનો,દુર્યોધનને ફરીથી ઉપદેશ 


 II वैशंपायन उवाच II कुंत्यास्तु वचनं श्रुत्वा भीष्मद्रौणो महारथौ I दुर्योधनमिदं वाक्यमुचतुःशासनातग II १ II

વૈશંપાયને કહ્યું-કુંતીનાં વચન સાંભળીને,મહારથી ભીષ્મ અને દ્રોણ,દુર્યોધનને કહેવા લાગ્યા કે-હે દુર્યોધન,કુંતીએ શ્રીકૃષ્ણ આગળ જે અતિઉત્તમ અને ભયંકર વચનો કહ્યાં છે,તે વાસુદેવને માન્ય એવાં વચનો પ્રમાણે કુંતીપુત્રો અવશ્ય કરશે અને તેઓ રાજ્ય મેળવ્યા વિના શાંત થશે નહિ.તે વખતે સભામાં,ધર્મપાશથી બંધાયેલા પાંડવોને તેં બહુ ક્લેશ આપ્યો હતો,ને તેઓએ સહન કર્યો હતો પણ હવે તેઓ તને ક્ષમા કરશે નહિ.પૂર્વે,વિરાટનગરમાં અર્જુને એકલાએ આપણ સર્વને હરાવ્યા હતા તે તને પ્રત્યક્ષ જ છે.ઘોષયાત્રા વખતે કર્ણ અને તને અર્જુને જ ગંધર્વો પાસેથી છોડાવ્યો હતો તે પૂરતું જ ઉદાહરણ છે.માટે તું પાંડવોની સાથે સલાહ કરી દે,ને મૃત્યુની દાઢમાં ગયેલી આ પૃથ્વીનું રક્ષણ કર.

તારા મોટાભાઈ યુધિષ્ઠિર,ધર્મશીલ છે,પ્રેમાળ છે માટે તું તારું પાપ છોડી દઈને તેમની પાસે જા અને તેમને ભેટી પૂર્વની જેમ પ્રણામ કર.તો તે તને ઉપાડી લેશે.તું માન મૂકીને ભાઈઓની સાથે મેળાપ કર,ને યુદ્ધનું માંડી વાળ.યુદ્ધમાં તો ક્ષત્રિયોનો વિનાશ જ દેખાય છે.હે વીર,ક્ષત્રિયોનો નાશ કરે તેવા અનેક ઉત્પાતો જણાય છે,ગ્રહ પ્રતિકૂળ છે,પશુપક્ષીઓ દારુણ શબ્દો કરે છે.

દુષ્ટ નિમિત્તો જણાય છે.આપણાં વાહનો અપ્રસન્ન અને રડતાં હોય તેવાં જણાય છે,ગીધડાંઓ સેનાની ચોમેર ચક્કરો ખાય છે.

કઠોર શબ્દોવાળી શિયાળવીઓ પ્રદીપ્ત દિશા તરફ જાય છે.માટે તું તારા માતપિતાનું અને અમારું કહેવું માન્ય કર.શાંતિ અને યુદ્ધ તારે જ આધીન છે.પણ તું જો સ્નેહીઓનાં વચન મુજબ નહિ કરે તો અર્જુનના બાણથી પીડાતી આ સેનાને જોઈને સંતાપ પામીશ.મારુ વચન જો તને વિપરીત લાગે તો રણમાં ગર્જના કરતા ભીમના મહાનાદને અને ગાંડીવનો ટંકાર સાંભળીને તું મારા વચનને સંભારીશ,(27)

અધ્યાય-138-સમાપ્ત 


અધ્યાય-૧૩૯-ભીષ્મ અને દ્રોણનો ઉપદેશ (ચાલુ)


II वैशंपायन उवाच II एवमुक्तस्तु विमनास्तिर्यग्दष्टिरधोमुखः I संहत्य च भ्रुवोर्मध्यं न किंचिध्याजहार ह II १ II

વૈશંપાયને કહ્યું-ભીષ્મે એ પ્રમાણે કહ્યું,ત્યારે દુર્યોધન મનમાં ખિન્ન થઈ ગયો ને નીચું મુખ રાખી,તીરછી નજરથી જોવા લાગ્યો,તથા ભ્રકૃટીનો મધ્ય ભાગ સંકોચીને કંઈ પણ બોલ્યો નહિ.દુર્યોધનને ઉદાસ થયેલો જોઈને પાસે બેઠેલા ભીષ્મ અને દ્રોણ એકબીજા સામે જોઈને ફરીથી દુર્યોધનને છેલ્લાં વચનો કહેવા લાગ્યા.ભીષ્મે કહ્યું કે-'સેવાપરાયણ,ઈર્ષારહિત,બ્રાહ્મણભક્ત અને સત્યવાદી અર્જુનની સામે અમારે યુદ્ધ કરવું પડે એનાથી બીજું અધિક દુઃખ કયું ગણાય?'


દ્રોણે કહ્યું-મને મારા પુત્ર અશ્વસ્થામા કરતાં પણ અર્જુન પ્રત્યે બહુ માન છે.પુત્ર કરતાં પણ અધિક એવા અર્જુનની સામે ક્ષાત્રધર્મનો આશ્રય કરીને મારે યુદ્ધ કરવું પડે એ ક્ષાત્રજીવિકાને ધિક્કાર હો.આ લોકમાં અર્જુન જેવો બીજો કોઈ ધનુર્ધારી  નથી.તેં પાંડવોને કપટથી દુઃખી કર્યા,તો પણ તેઓ તારું પ્રિય કરવાની ઈચ્છા રાખે છે પણ તારામાં રહેલા દ્વેષ-આદિના ભાવો વૈરભાવને જ પ્રગટ કરે છે.તને અમે સર્વેએ હિતવચનો કહ્યાં પણ તે કલ્યાણની વાત તું માનતો જ નથી.'મારી પાસે બળ છે' એમ માનીને તું,વર્ષાઋતુમાં ભરપૂર ગંગાના વેગને એકાએક તરી જવાની ઈચ્છા રાખનારા પુરુષના જેવી,ઈચ્છા રાખે છે.તું પારકું વસ્ત્ર પહેરીને તેને પોતાનું જ માને છે.યુધિષ્ઠિરની લક્ષ્મી લઈને તેને લોભથી પોતાની જ માને છે.


ભલે,યુધિષ્ઠિર,ભાઈઓ અને દ્રૌપદીથી વીંટાઇને વનમાં રહ્યા હોય તો પણ,રાજ્ય ઉપર રહેલો કયો પુરુષ (રાજા)તેને જીતી શકે તેવો છે? કુબેરની સામે યુદ્ધમાં તે યુધિષ્ઠિર પ્રકાશીને તેના ભવનમાં જઈને ત્યાંથી રત્નો લઇ આવ્યા હતા.

અમે દાન આપ્યું છે,હોમ કર્યા છે અને અમારું આયુષ્ય પણ પૂરું થવા આવ્યું છે એટલે અમને બંનેને તું કૃતાર્થ થયેલા જ જાણ,પરંતુ તું તો સુખ,રાજ્ય,મિત્રો અને ધનનો ત્યાગ કરીંને પાંડવો સાથે લડવાથી મહાકષ્ટ પામીશ.જેના મંત્રી જનાર્દન છે અને જેનો ભાઈ અર્જુન છે તે યુધિષ્ઠિરને તું કેવી રીતે જીતી શકીશ? પોતાના સ્નેહીઓને દુઃખસાગરમાં ડુબાડવા કરતાં તેમનું કલ્યાણ ઇચ્છનારને જે કરવું જોઈએ તે હું ફરીથી તને કહું છું કે-તું પાંડવો સાથે યુદ્ધનો વિચાર માંડી વાળ.ને શાંતિ ધારણ કર.(22)

અધ્યાય-139-સમાપ્ત