Apr 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-793

 

અધ્યાય-૧૩૭-કુંતીનો પુત્રોને સંદેશો 


II कुन्त्युवाच II अर्जुनं केशव बुयास्त्वयि जाते स्म सूतके I उपोपविष्टा नारिभिराश्रमे परिवारिता II १ II

કુંતીએ કહ્યું-હે કેશવ,તમે અર્જુનને કહેજો કે-તું ઉત્પન્ન થયો ત્યારે સૂતકસમયમાં,જયારે હું સ્ત્રીઓથી વીંટાઇને બેઠી હતી,તે વખતે આકાશવાણી થઇ હતી કે-'હે કુંતી,આ તારો પુત્ર ઇન્દ્રના જેવો પરાક્રમી થશે.ને તે એકલો ભીમસેનને સાથે રાખીને સંગ્રામમાં એકઠા મળેલા સર્વ કૌરવોને જીતશે ને શત્રુઓને આકુળવ્યાકુળ કરી દેશે.તે પૃથ્વીનો વિજય કરશે ને એનો યશ સ્વર્ગ સુધી પહોંચશે.શ્રીકૃષ્ણની સહાયથી સંગ્રામમાં કૌરવોનો નાશ કરીને પોતાનો રાજ્યભાગ પામી તે રાજ્યનો ઉદ્ધાર કરશે,ને ઐશ્વર્ય પામ્યા પછી,તે બંધુઓની સાથે ત્રણ અશ્વમેઘ યજ્ઞો કરશે.' (5)

હે અચ્યુત,સવ્યસાચી ને સત્ય પ્રતિજ્ઞાવાળો અર્જુન,કેવો બળવાન છે તે તમે સારી રીતે જાણો જ છો.આકાશવાણીએ જે પ્રમાણે કહ્યું હતું તેમ જ થાઓ.જો ધર્મ હશે તો તે વાણી સત્ય જ થશે.તમારે આ અર્જુનને કહેવું તથા તેને અને નિત્ય ઉદ્યમી રહેનારા ભીમને કહેવું કે-'ક્ષત્રિયાણીઓ જેટલા માટે પુત્રનો જન્મ આપે છે તે હેતુ સાર્થક કરવાનો આ સમય આવી પહોંચ્યો છે.મહાપુરુષો,એકવાર વૈર કર્યા પછી અધવચ બેસી પડતા નથી' હે કૃષ્ણ,તમે ભીમની બુદ્ધિને જાણો છો તે જ્યાં સુધી શત્રુનો છેડો લાવે નહિ,ત્યાં સુધી કદી શાંત પડતો નથી.(11)


હે કેશવ,તમે કૃષ્ણાને કહેજો કે-હે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ યશસ્વિની,તું મારા સર્વ પુત્રો પ્રત્યે યથાયોગ્ય જ છે.

ક્ષાત્રધર્મમાં તત્પર એવા માદ્રીપુત્રોને કહેજો કે-'તમે સ્વપરાક્રમથી મેળવેલા વૈભવોને,જીવન કરતાં પણ શ્રેષ્ઠ સમજીને તે મેળવો.

તમારા જેવા સર્વ ધર્મની વૃદ્ધિ કરનારાઓની સમક્ષ પાંચાલીને જે કઠોર વચન કહ્યાં હતાં તે કોણ સહન કરે?'

હે કેશવ,દ્યુતમાં મારા પુત્રો હાર્યા,તેમને હાંકી કાઢ્યા એ મારા દુઃખનું કારણ નથી પણ કૌરવોની સભામાં દ્રૌપદીએ રડતાં રડતાં જે કઠોર વચનો સાંભળ્યાં તે દુઃખ મને અધિક જ સાલે છે.તે વખતે તેને કોઈ સાથ મળ્યો નહિ.


તમે અર્જુનને કહેજો કે-'તું દ્રૌપદીના માર્ગને અનુસર (અર્થાંત શત્રુની સ્ત્રીઓને વિધવા કરવા માટે યત્ન કર).

કુરુવીરોની દેખતાં,દ્રૌપદીને સભામાં ખેંચી લાવી અને દુઃશાસને ભીમને જે કડવાં વચનો કહ્યાં હતાં,

તે અપમાનને અને અર્જુનના અપમાનને,તમે ફરી તેઓને સંભાળી આપજો.

હે જનાર્દન,મારા વતીથી સર્વના કુશળ પૂછજો અને હું કુશળ છું એમ કહેજો.હવે તમે નિર્વિઘ્નતાથી જાઓ.(24)


વૈશંપાયને કહ્યું-પછી,શ્રીકૃષ્ણ,કુંતીને પ્રણામ કરીને તથા તેમની પ્રદિક્ષણા કરીને બહાર નીકળ્યા.તે પછી,ભીષ્મ,આદિને વિદાય કરીને કર્ણને રથમાં બેસાડીને,સાત્યકિ સાથે ત્યાંથી ચાલતા થયા.શ્રીકૃષ્ણ ગયા એટલે કૌરવો પરસ્પર એકઠા થઈને શ્રીકૃષ્ણ સંબંધી મહા આશ્ચર્યપૂર્વક વાતો કરતાં તે બોલવા લાગ્યા કે-'આ સર્વ પૃથ્વી મૃત્યુપાશમાંથી સપડાઈને મૂઢ બની ગઈ છે ને દુર્યોધનની મૂર્ખતાને લીધે આ રાષ્ટ્ર વિનાશ પામશે' 

પછી,શ્રીકૃષ્ણ,નગરમાંથી બહાર નીકળીને આગળ ચાલ્યા અને તેમણે ઘણીવાર સુધી કર્ણ સાથે મસલત કરી.

પછી કર્ણને વિદાય કર્યો.ત્યાર બાદ તેમનો રથ અતિ વેગે વિરાટનગર પહોંચ્યો (32)

અધ્યાય-137-સમાપ્ત