અધ્યાય-૧૩૬-વિદુલાનો પુત્રને ઉપદેશ (ચાલુ)
II विदुलोवाच II नैव राज्ञा दरः कार्यो जातु कस्यांचिदायाधे I अथ चेदपि दीर्णः स्यावैव वर्तेत दोर्णवर II १ II
વિદુલાએ કહ્યું-રાજાએ કોઈ પણ આપત્તિમાં કદી ડરી જવું નહિ અને કદાચ ડર લાગે તો પણ તેને ભયભીતના જેવું વર્તન રાખવું નહિ કારણકે રાજાને ભયભીત જોઈને સૈન્ય,રાષ્ટ્ર અને અમાત્યો એ સર્વે પણ ભયભીત થઇ જાય છે.તેમાંના કેટલાએક શત્રુને મળી જાય છે,કેટલાએક કે જેઓનું અપમાન થયેલું હોય તેઓ રાજા પર જ પ્રહાર કરવાની ઈચ્છા કરે છે.હે પુત્ર,મેં તારો પ્રભાવ,તારો પુરુષાર્થ અને તારી બુદ્ધિ જાણવાની ઈચ્છાથી તથા તારા તેજ અને ધૈર્યની વૃદ્ધિ કરવા માટે જ આ વચનો કહ્યાં છે.
હે સંજય,આ મારું કહેવું તું બરોબર સમજ્યો હોય અને હું કહું છે તે યથાર્થ છે એમ તારું મન કબૂલ કરતુ હોય તો તું મોળાપણું છોડીને મનને કઠિન કર ને વિજયને માટે ઉભો થા.આપણી પાસે મોટો ધનનો ભંડાર છે એમ તું જાણ.તે ભંડાર હું જાણું છું,બીજું કોઈ જાણતું નથી,હું તને તે ધન સ્વાધીન કરું છું.સુખદુઃખને સહન કરનારા ને સંગ્રામમાંથી પાછા નહિ હઠનારા તારા ઘણા સ્નેહીઓ છે,ને જયની ઇચ્છાવાળાને તેવા સહાયકો મંત્રીરૂપ થાય છે.(11)
વિદુલાનાં આવાં અર્થ,પદ,અને અક્ષરવાળાં વચન સાંભળીને,તે સંજય અલ્પ બુદ્ધિવાળો હતો તો પણ તેનું અજ્ઞાન દૂર થઇ ગયું ને તેણે કહ્યું કે-'હે માતા,ભાવિ ઉદય તરફ દ્રષ્ટિ રાખનારી તું મારી માર્ગદર્શક થઇ છે તો હું હવે પૃથ્વીનો ઉદ્ધાર કરીશ અથવા રણભૂમિમાં મરીશ.હવે હું શત્રુઓને વશ કરવા માટે ને વિજયને માટે ઉદ્યોગ કરું છું'
કુંતી બોલ્યાં-આ પ્રમાણે માતાના વાકયરૂપી બાણ વડે વીંધાયેલા તે સંજયે માતાના ઉપદેશ પ્રમાણે સર્વ કાર્ય કર્યું.
'જય' નામનો આ ઇતિહાસ વિજયની ઈચ્છાવાળા રાજાએ સાંભળવો.આ સાંભળવાથી રાજા તત્કાળ પૃથ્વીનો વિજય કરે છે અને શત્રુનો સંહાર વાળે છે.(22)
અધ્યાય-136-સમાપ્ત