Apr 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-791

 

અધ્યાય-૧૩૫-વિદુલાનો પુત્રને ઉપદેશ (ચાલુ)


II पुत्र उवाच II कृष्णायसस्येव च ते संहत्य ह्रदयं कृतं I मम मातस्त्वकरुणे वीरप्रज्ञे ह्यमर्षणे II १ II

પુત્રે કહ્યું-ઓ મારી વીર બુદ્ધિવાળી,નિર્દય તથા અસહનશીલ માતા,તારું હૃદય તો તીક્ષ્ણ લોખંડને ટીપીટીપીને,તેનું ઘડેલું લાગે છે.અહો,ક્ષત્રિયનો આચાર કેવો વિલક્ષણ છે કે જેને લીધે તું પરાઈ માતા હોય તેમ મને યુદ્ધ કરવા પ્રેરણા કરે છે.હું તારો એક્નોએક પુત્ર છું,ને યુદ્ધમાં હું મરીશ તો તને આખી પૃથ્વીના વૈભવો કે જીવનનું પણ શું પ્રયોજન રહેશે?

માતાએ કહ્યું-હે સંજય,ધર્માર્થ પર દ્રષ્ટિ રાખીને જ મેં તને યુદ્ધ માટે પ્રેરણા કરી છે.યુદ્ધમાં પરાક્રમ કરવાનો તારો ઉત્તમ સમય આવેલો છે તે સમયે જો તું યુદ્ધરૂપી કર્તવ્યથી વિમુખ થઈશ અને દેહ પર દયા રાખીને બેસીશ તો તિરસ્કારને પાત્ર થઈશ.

આ વખતે જો હું તને હિતવચન ન કહું તો મારો પુત્રપ્રેમ ગધેડીના જેવો નિર્બળ જ કહેવાય.હે પુત્ર,તું સજ્જનોએ નિંદેલ અને મુર્ખોએ સેવેલા માર્ગનો ત્યાગ કર.આત્માથી ભિન્ન દેહને આત્મા માનવો એ મહાન અવિદ્યા છે.તું પણ દેહને આત્મા માનીને દુરાચરણી થઈશ તો મારો દ્વેષપાત્ર થઈશ પણ જો તારું સદાચરણ હશે તો જ તું મને વહાલો લાગીશ.

જે મનુષ્ય,અશિક્ષિત,અવિનયી,નિરુદ્યમી અને દુર્બુદ્ધિવાળા પુત્રોથી અથવા પૌત્રોથી રાજી થાય છે,તેનું પ્રજારૂપ ફળ મિથ્યા જ છે.આ લોકમાં ક્ષત્રિયને યુદ્ધ માટે ને વિજય માટે જ ઉત્પન્ન કરેલો છે.ક્ષત્રિય યુધ્ધમાં જય પામતાં કે વધ પામતાં ઇંદ્રલોકમાં જાય છે.આ લોકમાં ડાહ્યો પુરુષ,અલ્પ ઐશ્વર્યને અનિષ્ટરૂપ માને છે.કારણકે તે અલ્પ ઐશ્વર્ય,થોડા વખતમાં જ નાશ પામે છે ને તેનો નાશ થતાં તે પુરુષ સમુદ્રમાં મળતી ગંગાની જેમ અવશ્ય નાશ પામે છે (18)


પુત્ર બોલ્યો-હે માતા,તારે આવો ક્રૂર ઉપદેશ કરવો યોગ્ય નથી.તું તો 'જાણે કંઈ જ સમજતી ન હોય'તેમ મને કરુણાદ્રષ્ટિથી જો.

માતાએ કહ્યું-તું દેહ પર દયા રાખવાને હિતરૂપ માને છે,ને છતાં મને મારાં કર્તવ્યની પ્રેરણા કરે છે,તેથી હું પણ તને તારા કર્તવ્યને માટે આગ્રહ સાથે પ્રેરણા કરું છું.તું કષ્ટ વેઠીને વિજય મેળવ,ત્યારે જ હું તારી પૂજા કરી તને માન આપીશ.

પુત્ર બોલ્યો-હે માતા,મારી પાસે ભંડાર નથી,સહાય નથી તો પછી કાર્યસિદ્ધિ ક્યાંથી થાય? જેમ,પાપી સ્વર્ગની આશા છોડી દે છે તેમ,મેં પણ આ કારણથી રાજ્યની આશા છોડી દીધી છે.તું જો આ સંબંધમાં કોઈ ઉપાય જાણતી હોય તો કહે.


માતાએ કહ્યું-હે પુત્ર,હમણાં આપણી પાસે સમૃદ્ધિ નથી,એમ માનીને ના ઉમેદ થવું નહિ કારણકે ધન તો આવે ને જાય છે.

નિરુદ્યમી થઈને બેસી રહેવાથી કર્મોનું ફળ મળતું નથી.કર્મ કરવામાં બે પરિણામ છે,કાં તો કર્મનું ફળ મળે છે કે નથી મળતું.

જેને કર્મફળની અનિત્યતા જાણવામાં આવે છે,તે પુરુષ કાર્ય કરીને પોતાની પીડા અને શત્રુની સમૃદ્ધિ,એ બંને પ્રતિકૂળ બાબતોને દૂર કરી દે છે.પુરુષે મનમાં કોઈ પણ ભય ન રાખતાં,પોતાનું કાર્ય સફળ થશે જ એવો ભરોસો રાખીને સતત ઉદ્યમશીલ રહેવું,જાગ્રત રહેવું અને ઐશ્વર્ય આપનારા કર્મોમાં જોડાયેલા રહેવું જોઈએ.


મેં તને આ સંબંધમાં ઘણા ઉપાયો કહ્યા જ છે,હવે તું પુરુષાર્થ કર.તારે આ સમયે,તારા આશ્રિતોમાંના ક્રોધ પામેલા,લોભી,દુર્બળ,ગર્વિષ્ઠ,અપમાનિત અને તારી સાથે સ્પર્ધા કરનારા કોણ કોણ છે?તેને તું સાવધાન થઈને જાણી લે અને તેઓને પ્રથમથી પગાર આપી,તેઓના આગળ મધુર વચનો બોલ,એટલે તેઓ તને આગળ કરીને તારું અવશ્ય પ્રિય કરશે.

જયારે શત્રુ એમ જાણે છે કે-'મારો શત્રુ પ્રાણની દરકાર ન કરતાં મારા પર ચઢી આવ્યો છે' ત્યારે તે ભય પામે છે.

'પોતાનો શત્રુ પરાક્રમી છે ને હમણાં વશ થાય તેવો નથી'એમ જાણવામાં આવે તો કુશળ દૂત મોકલીને તે દ્વારા સામ-દાનથી તેને શાંત પાડવો,એટલે તે જ ઉપાય શત્રુને વશ કરનારો થઇ પડશે.આ રીતે શત્રુની સાથે કામચલાઉ સલાહ કરવાથી પોતાને સ્વસ્થતા મળી,એટલે ધનની વૃદ્ધિ થશે.(40)

અધ્યાય-135-સમાપ્ત