અધ્યાય-૧૩૪-વિદુલાનો પુત્રને ઉપદેશ (ચાલુ)
II विदुलोवाच II अथैतस्यामवस्थायं पौरषं हातुमिच्छसि I निहितसेवितं मार्ग गमिष्यमिरादिव II १ II
વિદુલા બોલી-તું આ અવસ્થામાં પુરુષાતનનો ત્યાગ કરવા ઈચ્છે છે,પરંતુ એથી તું ઠોસ સમયમાં જ અતિ નીચ મનુષ્યોએ સેવેલા માર્ગ પર ચાલ્યો જઈશ.જે ક્ષત્રિય પોતાના જીવનની ઈચ્છાથી શક્તિ પ્રમાણે પોતાનું પરાક્રમ કરીને પોતાનું તેજ દેખાડતો નથી તેને પંડિતો ચોર જ સમજે છે.જેમ,મરવાની અણી પર આવેલાને ઔષધો અસર કરતા નથી,તેમ મારાં અર્થયુક્ત ઉપર કહેલાં વાક્યો તને અસર કરતાં નથી.તું જો,હમણાં સિંધુરાજની પ્રજા તેના પર સંતુષ્ટ નથી,ને પોતાની દુર્બળતાને લીધે તેનાથી છૂટવાના ઉપાયથી અજાણ હોવાથી,તે રાજા પર દુઃખનો ઓઘ આવી પડે તેની વાટ જોયા કરે છે.એકવાર તું પુરુષાર્થ પ્રગટ કર એટલે તે જોઈને બીજાઓ પણ તારી પાછળ તેની સામે યુદ્ધ કરવા તૈયાર થશે.એ સિંધુરાજ કંઈ અજરામર નથી.(6)
હે પુત્ર,તારું નામ સંજય એટલે સારી રીતે જય મેળવનારો છે છતાં તારામાં હું તે સંજયપણું હું જોતી નથી.તું જયારે બાળક હતો ત્યારે એક બ્રાહ્મણ જ્યોતિષીએ મને કહ્યું હતું કે-'આ બાળક મહાકષ્ટ પામીને પાછો ઉન્નતિમાં આવશે' તે બ્રાહ્મણનાં વાક્ય સાંભારી ને હું તારા વિજયની આશા રાખું છું અને એટલે જ તને વારંવાર પરાક્રમ કરવા કહ્યા કરું છું.તું યુદ્ધમાં મન જોડ.
હું મહાકુળમાં ઉત્પન્ન થઇ છું,અને અહીં પણ સર્વસ્વની માલિક હતી.જયારે તું મને અને તારી ભાર્યાને અત્યંત દુર્બળ થયેલાં જોઇશ,ત્યારે તારા જીવનનું શું પ્રયોજન રહેશે? નોકરો,આચાર્યો,ઋત્વિજો ને પુરોહિતો આજીવિકા ન મળવાથી આપણો ત્યાગ કરી જાય છે ને તે તું જુએ છે,તો આવી પરિસ્થિતિમાં જીવવાનું શું ફળ છે?
આપણે બીજાઓને આશ્રય આપનારાં અને બીજાની આજ્ઞા ઉઠાવનારાં નથી,છતાં હમણાં મારે બીજાઓના આશ્રયથી જીવવાનો વારો આવ્યો છે તેથી હું મારા જીવનનો ત્યાગ કરીશ.અમને રહેવાનું સ્થાન નથી ને તું અમને સારી રીતે જીવાડી પણ શકતો નથી.તું જો જીવવાની સ્પૃહા રાખીશ નહિ તો તારા સર્વ શત્રુઓ જીતી શકાય તેમ છે,પણ જો તારે હતાશ થઈને નિર્માલ્ય વૃત્તિનો જ આશ્રય કરવાનો હોય તો તું આ પાપી આજીવિકાને છોડી દે.શૂર પુરુષ તો એક શત્રુનો વધ કરવાથી જ વિખ્યાત થઇ જાય છે.રાજ્ય એ સ્વર્ગના દ્વાર જેવું છે,કે જે તારા શત્રુઓએ લઇ લીધું છે,માટે તું સ્વર્ગ અથવા રાજ્ય એ બેનો એક જ માર્ગ જાણીને શત્રુઓ પર તૂટી પડ.ને સ્વધર્મનું પાલન કર.
હે તાત,તું શત્રુનો સેવક થઈને જીવવા માટે યોગ્ય નથી જ.મૂળ બ્રહ્મદેવે રચેલું ક્ષાત્રધર્મનું રહસ્ય હું જાણું છું.એ રહસ્ય એ છે કે-જે કોઈ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલો ક્ષત્રિય ક્ષાત્રધર્મને જાણે છે,તે ભયને લીધે કે આજીવિકાની ઈચ્છાથી કોઈને નમતો નથી,કારણકે ઉદ્યમ એ જ પુરુષાર્થ છે એમ તે સમજે છે.ક્ષત્રિય નાશ પામવા તૈયાર થાય છે પણ કોઈને નમતો નથી.
ક્ષત્રિયને સહાય હોય કે ન હોય,તો પણ તેણે પ્રજાને મર્યાદામાં રાખવી ને પાપિષ્ઠનો નાશ કરવો (41)
અધ્યાય-134-સમાપ્ત