અધ્યાય-૧૩૩-વિદુલાનો પુત્રને ઉપદેશ
II कुन्त्युवाच II अत्राप्युदाहरंतिममितिहासं पुरातनम् I विदुलायाश्च संवादं पुत्रस्य च परंतप II १ II
કુંતીએ કહ્યું-હે કૃષ્ણ,આ વિષયમાં વિદુલા અને તેના પુત્રના સંવાદરૂપ એક પુરાતન ઇતિહાસ કહેવામાં આવે છે.
આ સંવાદ મારાં વાક્યો કરતાં પણ શ્રેષ્ઠ અને વિશાળ છે,માટે એ તમારે યુધિષ્ઠિરને સંપૂર્ણ કહેવો.
પૂર્વે,વિદુલા નામે એક યશસ્વિની ક્ષત્રિયાણી હતી,તે કુલીન,દીનતાવાળી,ક્ષાત્રધર્મમાં તત્પર,ઉગ્ર સ્વભાવવાળી,દીર્ઘ દ્રષ્ટિવાળી,યશસ્વી ને પંડિતા હતી.એક વખતે,સિંધુરાજાથી હારીને ચિત્તમાં ખિન્ન થઈને સૂતેલા પોતાના ઔરસ પુત્રની નિંદા કરતી તે તેને કહેવા લાગી કે-
'ઓ શત્રુઓના હર્ષને વધારનાર ને મારા હર્ષને નાશ પમાડનારા પુત્ર,તું માતા-પિતાથી ઉત્પન્ન થયો હોય તેમ લાગતું નથી.તું ક્યાંથી આવ્યો છે?તું ક્રોધ વિનાનો નિર્માલ્ય છે તેથી તને કોઈ ગણતું નથી અને તું તારા બાહુ વગેરેથી પણ વીર્યહીન છે.તું જીવતાં સુધી ઉદયની આશાથી રહિત થઈને બેઠો છે તે ઠીક નથી,ઉઠ અને પોતાના ભલા માટે કાર્યની ઝુંસરી ઉપાડ.તું પોતાને હીન સમજીને પોતાનું અપમાન કર નહિ.અલ્પથી સંતુષ્ટ થઈને દેહનું પાલન કર નહિ,ડર નહિ,અને મનથી ભયને કાઢી નાખ.હે કાયર,ઉઠ,આમ પરાજય પામીને સુઈ ન રહે.તું સ્વમાનરહિત થવાથી શત્રુઓ આનંદ પામે છે ને બંધુઓ શોક પામે છે.
જેમ,શકરો,આકાશમાં ઉડી,પોતાના શત્રુઓના છિદ્રો શોધે છે,તેમ તું ગુપચુપ રહીને અથવા શત્રુને જીતવાના અનેક પ્રકારો પ્રકટ કરીને,નિઃશંક થઇ શત્રુના છિદ્રો શોધી કાઢ ને લાગ જોઈને પરાક્રમ કર.તું આમ મુડદાં જેવો થઈને કેમ સૂતો છે?
ઓ કાપુરુષ,ઉઠ શત્રુથી હારીને પડ્યો ન રહે.તું આમ દીન થઈને અસ્ત પામ નહિ પણ પોતાના પરાક્રમ વડે સર્વત્ર પ્રખ્યાત થા.
સામ,દાન,દંડ અને ભેદના ઉપાયનો આશ્રય કરીને તું ગાજી ઉઠ.પુરુષ સંગ્રામમાં જઈને પરાક્રમ કરે તો તે ધર્મના ઋણમાંથી મુક્ત થાય છે ને તેને આત્મનિંદાનો પ્રસંગ આવતો નથી.હે પુત્ર,તું તારું પરાક્રમ ઝળકાવ અથવા મરણને શરણ થા.નિરર્થક ક્ષાત્રધર્મને પાછળ નાખીને શા માટે જીવે છે?
ઓ ષંઢ,તારાં આજ સુધીનાં યજ્ઞ-આદિ કર્મો નાશ પામ્યાં છે,તારી કીર્તિ પણ હણાઈ ગઈ છે અને વૈભવો ભોગવવાના સાધનરૂપ રાજ્ય પણ નાશ પામ્યું છે તો તું હવે શા માટે જીવે છે? ઉઠ,તારે લીધે ડૂબેલા આ કુળનો તું પોતે જ ઉદ્ધાર કર.જેનું,એક પણ મહાઅદભુત કામ મનુષ્યો ગાતાં નથી તે સ્ત્રીએ નથી ને પુરુષે નથી,પણ કેવળ સંખ્યાની ગણતરીમાં વધારો કરનાર જ છે.
સ્વરાજ્યમાંથી હાંકી કઢાયેલાં,સર્વ સુખોથી રહિત થયેલાં,સ્થાનથી ભ્રષ્ટ થયેલાં,અને દરિદ્ર બની ગયેલાં,આપણે આજીવિકાના અભાવથી જ મરી જઈશું.ઓ સંજય,સજ્જનોનું અમંગળ કરનારા અને કુલ તથા વંશનો નાશ કરનારા તને-પુત્ર કહેવાતા સાક્ષાત કલિને જ મેં જન્મ આપ્યો છે એમ મને લાગે છે.તારા જેવા ક્રોધ વિનાના,નિરુત્સાહી,નિર્વીર્ય અને શત્રુઓને રાજી કરનારા પુત્રને કોઈ સ્ત્રી ઉત્પન્ન ન કરો.જે અસહનશીલતા ને ક્રોધ વિનાનો છે તે સ્ત્રીએ નથી કે પુરુષે ય નથી.
સંતોષ અને દયા-એ બંને લક્ષ્મીનો નાશ કરે છે.શત્રુ પર ચડાઈ ન કરવી અને ભયભીત બેસી રહેવું એ બંને પણ લક્ષ્મીનો નાશ કરે છે.જે નિરુદ્યમી બેસી રહે છે તે કદી મહતપદ ભોગવતો નથી માટે તું એ પરાભવ આપનારા દોષોથી પોતે જ પોતાનો છૂટકો કરી લે અને લોખંડી હૃદય બનાવીને ફરી ધન-આદિને ખોળી કાઢ.જે 'પર'ને (શત્રુને)સહન કરે છે તે જ પુરુષ કહેવાય છે.
જે પુરુષ આ લોકમાં સ્ત્રીની જેમ ઘરમાં ભરાઈને જીવે છે તેનું પુરુષ નામ વૃથા છે.
પુત્રે કહ્યું-તું મને આલોકમાં નહિ જુએ તો પછી તને આખી પૃથ્વી મળવાથી પણ શું સુખ થવાનું છે?
માતાએ કહ્યું-'આજે શું ખાવું?'એવી ચિંતા કરનારા નિર્ધનોને જે લોકો મળે છે તે આપણા શત્રુઓને મળો અને મન સ્વાધીન રાખીને ઉદ્યોગ કરનારને જે લોકો મળે છે તે આપણા સ્નેહીઓને મળો.જેઓને સેવકો છોડી જાય છે અને જેઓ પારકાના અન્ન પર દિવસ કાઢે છે,તેવા નિઃસત્વ પામર પ્રાણીઓના માર્ગને તું અનુસરીશ નહિ.જેમ,દેવો ઇન્દ્રના પરાક્રમથી સુખ ભોગવે છે તેમ,જે શૂરા પુરુષના પરાક્રમથી બાંધવો સુખેથી વૃદ્ધિ પામે છે તેનું જ જીવન ધન્ય છે.જે મનુષ્ય પોતાના બાહુબળનો આશ્રય કરીને ઉન્નત જીવન ગાળે છે તે આ લોકમાં કીર્તિ પામે છે અને પરલોકમાં શુભગતિ મેળવે છે (45)
અધ્યાય-133-સમાપ્ત