Apr 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-788

 

અધ્યાય-૧૩૨-કુંતીએ સંદેશો કહ્યો 


II वैशंपायन उवाच II प्रविश्याथ गृहं तस्याश्चरणावभिवाद्य च I आचख्यौ तत्समासेन यद्व्रुत्तं कुरुसंसदि II १ II

વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણે કુંતીના ઘરમાં પ્રવેશ કરીને,તેમના ચરણમાં પ્રણામ કર્યા અને કુરુસભામાં જે વૃતાન્ત થયો હતો તે કહ્યો.

વાસુદેવે કહ્યું કે-મેં તથા બીજા સર્વેએ હેતુવાળાં અને ગ્રહણ કરવા યોગ્ય બહુ પ્રકારના વચનોઓ કહ્યાં પણ દુર્યોધને તે સ્વીકાર્યાં નહિ,એ પરથી સમજાય છે કે,દુર્યોધનને અનુસરનારા સર્વે કાળ વડે પરિપક્વ થઇ ગયા છે.હવે હું તમારી રજા લઈશ અને ત્વરાથી પાંડવો પાસે જઈશ,માટે તમારે જે પાંડવોને કહેવું હોય તે મને કહો.હું તમારું કહેવું સાંભળવા ઈચ્છું છું.

કુંતીએ કહ્યું-હે કેશવ,તમે ધર્માત્મા યુધિષ્ઠિરને કહેજો કે-'તારો પૃથ્વીપાલનનો મહાન ધર્મ ક્ષીણ થાય છે,માટે તું તે ધર્મને મિથ્યા કર નહિ.સ્વયંભૂ બ્રહ્માએ તને કયા ધર્મની સાથે ઉત્પન્ન કર્યો છે,તે તારા ધર્મ તરફ તું દ્રષ્ટિ કર.બ્રહ્માએ ક્ષત્રિયોને પોતાના બાહુથી ઉત્પન્ન કર્યા છે માટે તેઓ બાહુવીર્યથી આજીવિકા ચલાવે છે,નિત્ય શત્રુમર્દન જેવાં કર્મ કરી પ્રજાનું પરિપાલન કરે છે.

આ વિષયમાં મેં વૃદ્ધો પાસેથી દ્રષ્ટાંતરૂપ વાત સાંભળી છે તે તું સાંભળ (8)


પૂર્વે,કુબેરે પ્રસન્ન થઈને રાજર્ષિ મુચુકુંદને આ આખી પૃથ્વી આપવા માંડી,પરંતુ તે તેણે ગ્રહણ કરી નહિ અને કહ્યું કે-

'હું બાહુબળથી સંપાદન કરેલા રાજ્યને જ ભોગવવા ઈચ્છું છું' એ સાંભળી કુબેર પ્રસન્ન થયા ને આશ્ચર્ય પામ્યા.

પછી તે ક્ષાત્રધર્મને અનુસરનારા રાજાએ પોતાના બાહુબળથી પૃથ્વી મેળવીને તેનું પરિપાલન કર્યું.


રાજાથી ઉત્તમ રીતે રક્ષણ કરાતી પ્રજા,આ લોકમાં જે ધર્મ આચરે છે તેનો ચતુર્થાંશ રાજાને પ્રાપ્ત થાય છે.અને રાજા પોતે જો ધર્માચરણ કરે તો તે દેવપણાને પામે છે ને અધર્મ કરે તો નરકમાં જાય છે.રાજા જયારે,દંડનીતિનો ન્યાયાનુસાર સંપૂર્ણ પ્રયોગ કરે તો,તે દંડનીતિ ચારે વર્ણોને અધર્મથી અટકાવે છે અને સત્યયુગ નામનો ઉત્તમ કાળ પ્રવર્તે છે.સારો કે નબળો કાળ પ્રવર્તાવનાર રાજા જ છે.સતયુગ,ત્રેતાયુગ,દ્વાપરયુગ અને કળિયુગનો કર્તા રાજા છે.રાજાનો દોષ જગતને લાગે છે ને જગતનો દોષ રાજાને લાગે છે માટે તું તારા બાપદાદાને યોગ્ય રાજધર્મોના તરફ દ્રષ્ટિ કર.હાલ,તું જે વર્તનથી રહેવાની ઈચ્છા કરે છે,તે રાજર્ષિઓનું વર્તન નથી.તું વિકળ અંગવાળાની જેમ,કેવળ દયાનું અવલંબન કરીને રહ્યો છે.


તું હમણાં જે બુદ્ધિથી ચાલે છે,તે પ્રમાણે ચાલવાનો,પૂર્વે પાંડુએ,મેં કે પિતામહ વ્યાસે તને આશીર્વાદ આપ્યો નહોતો.

મેં તો યજ્ઞ,દાન,તપ,શૌર્ય,વિશાલ બુદ્ધિ,બળ ને તેજ એ તારામાં નિત્ય રહે એવી જ આશા રાખી હતી.તું ક્ષત્રિય છે એટલે ભિક્ષા કે ખેતી તારે માટે નિષિદ્ધ છે.પ્રજાનું દુઃખથી રક્ષણ કરવું તથા બાહુબળ પર જીવિકા કરવી એ જ તારો ધર્મ છે.સામ,દાન,દંડ,

ભેદ અથવા ન્યાય-એમાંના કોઈ પણ ઉપાયનો આશ્રય કરીને તું તારા પિતાનો જે રાજ્યભાગ ગળી ગયા છે તેનો પુનઃ ઉદ્ધાર કર.હે પુત્ર,તને જન્મ આપનારી ને તારે લીધે જ દીન થઇ ગયેલા બાંધવોવળી હું આજે કોળિયા અન્ન માટે બીજાના મોં સામે જોઉં છું,એનાથી અધિક દુઃખ બીજું શું હોઈ શકે? માટે તું રાજધર્મ પ્રમાણે યુદ્ધ કર.આમ બેસી રહીને પૂર્વજોને નરકમાં ડુબાવ નહિ અને તું પણ પુણ્યહીન થઈને ભાઈઓની સાથે અધોગતિ પામ નહિ (34)

અધ્યાય-132-સમાપ્ત