Apr 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-787

 

અધ્યાય-૧૩૧-વિશ્વરૂપનું દર્શન 


II वैशंपायन उवाच II विदूरेणैवमक्त्स्तु केशवः शतपुगहा I दुर्योधनं धार्तराभम्यभषत वीर्यवान II १ II

વૈશંપાયને કહ્યું-વિદુરે એ પ્રમાણે વર્ણવેલા એવા,શત્રુસમૂહને હણનાર તે વીર્યવાન શ્રીકૃષ્ણ,ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધન પ્રત્યે બોલ્યા કે-'હે અતિદુર્બુદ્ધિવાળા દુર્યોધન,તું મોહને લીધે હું એકલો છું-એમ માને છે અને મને પકડવાની ઈચ્છા કરે છે,પરંતુ જો તો ખરો કે સર્વ પાંડવો,સર્વ અંધકો,યાદવો,આદિત્યો,રુદ્રો,વસુઓ ને મહર્ષિઓ અહીં મારામાં જ છે' આમ કહી શ્રીકૃષ્ણે ખડખડાટ હાસ્ય કર્યું.તે જ વખતે શ્રીકૃષ્ણનાં અંગોમાંથી વીજળીના જેવા રૂપવાળા,અંગુઠા જેવડા દેહવાળા અને અગ્નિની જ્વાળા જેવા તેજસ્વી સર્વ દેવો પ્રગટ થયા.

એમના લલાટ સ્થાનમાંથી બ્રહ્મા ને વક્ષસ્થળમાંથી રુદ્ર પ્રગટ થયા.અગ્નિ મુખમાંથી પ્રગટ થયો.આદિત્યો,વસુઓ,ઇન્દ્રસહિત વાયુઓ,ગંધર્વો-આદિ સર્વ પોતપોતાનાં રૂપ ધારણ કરીને શ્રીકૃષ્ણનાં અંગોમાંથી પ્રગટ થયા.એમના બે બાહુઓમાંથી બળરામ ને અર્જુન પ્રગટ થયા.ભીમ,યુધિષ્ઠિર,નકુલ ને સહદેવ તેમની પીઠમાંથી પ્રગટ થયા.અંધકો,યાદવો ને પ્રદ્યુમ્ન આદિ મોટાં આયુધો ધરીને અગ્ર ભાગમાંથી પ્રગટ થયા.શંખ,ચક્ર,ગદા,શક્તિ,સારંગ ધનુષ્ય,હળ,નંદક,મુસળ,વગેરે ઝળહળતાં આયુધો,તેમના અનેક બાહુઓમાંથી ઉગામેલાં જણાવા લાગ્યાં.વળી,તેમના નેત્રો,નાક,કાન અને સર્વ રૂવાંટાના છિદ્રોમાંથી સૂર્યના કિરણોની જેમ,મહાભયંકર અગ્નિની જવાળાઓ નીકળવા લાગી.


શ્રીકૃષ્ણનું તેવું ભયંકર રૂપ જોઈને રાજાઓના ચિત્તમાં ત્રાસ થયો અને તેઓએ નેત્રો બંધ કરી દીધાં.માત્ર તે વખતે ભીષ્મ,દ્રોણ,વિદુર,સંજય અને તપોધન ઋષિઓએ આંખો બંધ કરી નહિ કારણકે શ્રીકૃષ્ણે તેમને વિશ્વરૂપ જોવાની દિવ્યદ્રષ્ટિ આપી હતી.એ પ્રમાણે શ્રીકૃષ્ણે કરેલા મહા આશ્ચર્યને જોઈને,દેવોનાં દુંદુભીઓ વાગવા લાગ્યાં ને આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી.ત્યારે  ધૃતરાષ્ટ્ર કહેવા લાગ્યા કે-'હે ભગવન,હું આપનાં દર્શનની ઈચ્છા કરું છું,તમારું દર્શન થયા પછી પાછાં મારાં નેત્રો જતાં રહે એવી પણ હું માંગણી કરું છું,કારણકે તમારું દર્શન કર્યા પછી તે નેત્રોથી હું બીજાને જોવાની ઈચ્છા કરતો નથી'(18)


શ્રીકૃષ્ણે કહ્યું-'હે કુરુનંદન,બીજાઓને ન દેખાય એવા તમને બે નેત્રો પ્રાપ્ત થાઓ' એમ કહેતાંની સાથે ત્યાં મોટું આશ્ચર્ય થયું,ને ધૃતરાષ્ટ્રને વાસુદેવની કૃપાથી બે નેત્રો પ્રાપ્ત થયાં.જે જોઈ સર્વ આશ્ચર્ય પામ્યા ને મધુસુદનની સ્તુતિ કરવા લાગ્યા.તે એ સમયે આખી પૃથ્વી ચલિત થઇ ગઈ ને સમુદ્ર પણ ખળભળી ઉઠ્યો.તે પછી,શ્રીકૃષ્ણે,પોતાના દિવ્ય દેહને તથા તે દિવ્ય,અદભુત અને ચિત્રવિચિત્ર સંપત્તિને ગુપ્ત કરી દીધી અને ઋષિઓની આજ્ઞા લઈને સાત્યકિ તથા કૃતવર્માનાં હાથ પકડીને સભામાંથી બહાર નીકળ્યા.નારદ વગેરે ઋષિઓ પણ ત્યાંથી ચાલ્યા ગયા ને તે કોલાહલમાં આશ્ચર્ય જેવું થઇ પડ્યું (25)


શ્રીકૃષ્ણને જતા જોઈને રાજાઓની સાથે સર્વ કૌરવો તેમની પાછળ જવા લાગ્યા પરંતુ શ્રીકૃષ્ણે તેમની તરફ લક્ષ્ય ન આપતાં,અગ્નિની જેમ તપી જઈને,સભાસ્થાનમાંથી તુરત જ બહાર નીકળી ગયા.દારુક સારથિ,રથને લઈને ત્યાં આવી ગયો,ત્યારે રથમાં બેસીને પ્રયાણ કરવા તૈયાર થયેલા શ્રીકૃષ્ણની આગળ આવીને ધૃતરાષ્ટ્ર તેમને કહેવા લાગ્યા કે-

'હે જનાર્દન,મારું પુત્રો પર કેટલું બળ ચાલે છે તે તમે તમારી નજરથી જોયું છે.હું તો સલાહની જ ઈચ્છા રાખું છું,ને યત્ન પણ કરું છું,છતાં મારી આવી અવસ્થા છે,તે જાણીને તમારે મારા તરફ શંકા લાવવી યોગ્ય નથી.પાંડવો તરફ મારો પાપી અભિપ્રાય નથી,અને તે સંબંધમાં મેં દુર્યોધનને હિતવચનો કહ્યાં તે તમે અને સર્વ કૌરવો ને રાજાઓ જાણો છો.(35)


તે પછી,જનાર્દને,ધૃતરાષ્ટ્ર,દ્રોણ,ભીષ્મ,કૃપ અને વિદુર આદિને કહ્યું કે-'આજે કૌરવોની સભામાં જે થયું તે તમે સર્વે જોયું છે.મૂર્ખ દુર્યોધન અસભ્ય થઈને ગુસ્સામાં ચાલતો થયો તે તમે જોયું છે અને ધૃતરાષ્ટ્ર પૃથ્વીપતિ હોવા છતાં 'મારી સત્તા ચાલતી નથી' એવું બોલે છે તે પણ તમે સાંભળ્યું છે.હવે હું સર્વની રજા લઈને યુધિષ્ઠિર પાસે પાછો જાઉં છું'

આમ કહી,શ્રીકૃષ્ણે ત્યાંથી પ્રયાણ કર્યું ને ત્યાંથી ફોઈ કુંતીને મળવા ગયા (41)

અધ્યાય-131-સમાપ્ત